ગુજરાત
News of Thursday, 17th September 2020

નર્મદા ડેમ છલોછલ ભરીને પીએમ મોદીને જન્મ દિવસની અપાઈ ભેટ : સીએમ રૂપાણીએ કર્યાં નીરના ઈ-વધામણાં

માં રેવાનાં નીરથી બંધ પહેલીવાર પૂર્ણ ભરાયો : જળસપાટી 138.68 મીટર સુધી પહોંચી:પીએમ મોદીએ ત્રણ વર્ષ પહેલા કર્યું હતું લોકાર્પણ

નર્મદા ડેમ છલોછલ ભરીને પીએમ મોદીને જન્મ દિવસની અપાઈ ભેટ : સીએમ રૂપાણીએ કર્યાં નીરના ઈ-વધામણાં

રાજપીપળા : ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ પોતાની 138.68 મીટર સુધી મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વાર 100 % છલોછલ પૂર્ણ ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાની ઓફિસમાંથી નર્મદા નિરના ઈ-વધામણાં કર્યા હતાં. જ્યારે ગુજરાત સરકારના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એમડી રાજીવ ગુપ્તા સહિત અન્ય અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પૂજા અર્ચના કરી નર્મદા નિરના વધામણાં કર્યા હતાં.

સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે અને ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના 5 દરવાજા 20 સેમી ખોલી 9000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના RBPH 6 યુનિટી સતત ચાલુ કરાતા 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જ્યારે CHPHનાં 3 યુનિટી સતત ચાલુ કરાતા 13000 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડાઈ રહ્યું છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 72000 ક્યુસેક છે જેની સામે પાણીની જાવક 50000 ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમના ગેટ અને RBPH દ્વારા નર્મદા નદીમાં એટલે કે ભરૂચ તરફ 51000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5700 મિલીયન ક્યુબીક મીટર થયો છે. એટલે આમ, ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.

ગુજરાત સરકારે નર્મદા બંધને મા રેવાના નીરથી 100% છલોછલ  ભરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને જન્મદિવસની ભેટ આપી હતી. પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017નાં રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. પીએમ મોદીના 17મી સપ્ટેમ્બર 2020નાં રોજ આજના દિવસે 70માં જન્મદિવસે ડેમના લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી પૂર્ણ ભરવામાં આવ્યો હતો. આમ, નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ બીજી વખત સંપૂર્ણ ભરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે બુધવારના રોજ નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી હતી જ્યારે આજે 138.68 મીટરે પહોંચી ગઇ છે. વિશાળ ડેમ છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે. આ સીઝનમાં પ્રથમ વાર નર્મદા બંધ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.

(10:58 am IST)