ગુજરાત
News of Wednesday, 17th August 2022

ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની વધતી આવક: જળ સપાટી 134.54 મીટરે પહોંચી

નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ આશરે 7.24 લાખ ક્યુસેક પાણીની આવક

અમદાવાદ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટર નોંધાઈ છે.ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે હાલમાં 7.24 લાખ ક્યુસેક પાણી આવક થઈ રહી છે.નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી સરેરાશ આશરે 5 લાખ ક્યુસેક પાણી તથા ભૂગર્ભ જળવિદ્યુત મથકમાંથી વિજ ઉત્પાદન બાદ છોડાઈ રહેલા આશરે 44 હજાર ક્યુસેક પાણી મળી કુલ 5.44 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.આગામી સમયમાં ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં 7.24 લાખ ક્યુસેક સામે 5.44 લાખ ક્યુસેક પાણી જ નર્મદા ડેમમાંથી છોડાશે.ડેમના 23 ગેટ માંથી 5.44 લાખ અને રિવરબેડ પાવર હાઉસનું મળી કુલ 5.88 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં ઠલવાશે.

ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 7.24 લાખ ક્યુસેક પાણી આવક સામે 5.44 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમા છોડવાનો નિર્ણય સરદાર નર્મદા નિગમે કર્યો છે.વધારાનો પાણીનો સંગ્રહ ડેમમાં કરી નર્મદા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના 108 જેટલાં ગામોને પૂરની અસરોથી બચાવી શકાશે તો સાથે સાથે વધારાના પાણીના સંગ્રહને કારણે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાશે.સરદાર નર્મદા નિગમ દ્વારા ઉપરવાસમાંથી ઠલવાતા પાણીના વિપુલ જથ્થાથી ભરૂચ અને નર્મદાને ભયંકર રેલથી બચાવવા પ્રયાસો શરૂ કરાયા છે.નર્મદા ડેમ માંથી વધુ પાણી છોડવાના કારણે ગોરા ખાતે રૂપિયા 11 કરોડના ખર્ચે 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો બનાવાયેલો વિશાળ નર્મદા ઘાટ પર પણ પાણી ફરી વળ્યા છે.જોકે નર્મદા આરતીને બંધ કરવામાં નથી આવી પણ જગ્યા બદલીને ભારતી આશ્રમમાં કરવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ અગમચેતીના ભાગરૂપે જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારો, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે પણ સાવચેત કરવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાંસલા-ઇન્દ્રવર્ણા ડેમસાઈટ કિનારાના ગામમાં પોલીસ પેટ્રોલીંગ કરવા અને નદી કાંઠે કોઈ વાહન-વ્યક્તિ ન જાય તે જોવા તેમજ દત્તમંદિર ઓવારા ઓવરફ્લો હોઈ, રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કિનારા ઉપર ન જાય તેની તકેદારી રાખવા તથા ડેમ ઓવરફ્લો થતાં સ્મશાન ઘાટ જવાના રસ્તે નદીમાં કોઈ વાહન ન જાય તેમજ બેરીકેટ બંધ રાખવા વગેરે જેવા સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.હાલ ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.વધારાના પાણી અને ભરતીને લઈ નર્મદા નદી ગોલ્ડનબ્રિજ ખાતે 27 ફૂટની સપાટીએ સ્પર્શી શકવાની શક્યતાઓ રહેલી છે. જોકે તમામ આધાર ઉપરવાસમાં પાણીની આવક અને ડેમમાંથી છોડાનાર પાણી ઉપર રહેલો છે.

(11:40 pm IST)