ગુજરાત
News of Wednesday, 17th August 2022

નર્મદાના કિનારે યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મહાલરાવ ઘાટના 108 પગથિયાના 10 પગથિયા જ પાણીમાં ડુબાણમાં જવાના બાકી રહ્યા

ઉપરવાસથી પાણી છોડતા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને સાયરન વગાડી સાવચેત કરાયા

ડભોઇઃ ડભોઇ તાલુકના યાત્રાધામ ચાંદોદમાં ઉપરવાસથી તબક્કાવાર 7.50 લાખ ક્‍યુસેક પાણી નદીમાં છોડાતા જળ સ્‍તરમાં સતત વધારો થયો છે. જેને પગલે મહાલરાવ ઘાટના 108 પગથિયા પૈકી 10 પગથિયા ડુબાણમાં જવાના બાકી રહ્યા છે. શ્રદ્ધાળુઓને નદીમાં તટ પર ન જવાની સલાહ આપવામાં આવી છે.

ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ નર્મદા નદીનું પાણીદાર સ્વરૂપ જોઈ ચાંદોદના ગ્રામજનો ખુશ થયા છે. કારણ કે, તેમની રેવા હરણફાળ છલાંગ લગાવી આગળ વધી રહી છે. ગઈકાલથી તબક્કાવાર 7.50 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી નદીમાં છોડવામાં આવ્યું છે. યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મહાલરાવ ઘાટના 108 પૈકી 10 પગથિયાં જ પાણીમાં ડૂબાણમાં જવાના બાકી રહ્યાં છે. તેથી ચાંદોદ ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને સાયરન વગાડી સાવચેત કરાયા છે. ગમે ત્યારે ચાંદોદ ગામમાં નદીના પાણી પ્રવેશે તેવી શક્યતા છે. 

નર્મદા કિનારે આવેલી દુકાનો ખાલી કરવા સૂચના અપાઈ છે. નર્મદા નદીની આસપાસમાં રહેતા પરિવારોને હાલ પુરતા ખસેડાયા છે. બ્રાહ્મણો દ્વારા શ્રદ્ધાળુઓને નર્મદા નદી તટ પર ન જવાની સલાહ આપવામાં આવી છે. તો નર્મદા નદીમાં હોળી ચલાવતા નાવિકો પણ પાંચ પેસેન્જર લઈને નાવડી ચલાવી રહ્યાં છે.

ઉપરવાસમાં વરસાદને લઈને સમગ્ર ગુજરાત ભરના ડેમ ઓવરફ્લો છે, ત્યારે નર્મદા ડેમમાંથી ગઈકાલથી અત્યાર સુધી તબક્કાવાર 7.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે નર્મદાના કાંઠા વિસ્તારોના રહેતા પરિવારોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્યારે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલ મહાલરાવ ઘાટના હવે માત્ર 10 પગથિયાં બાકી રહ્યા છે. ત્યારે આવનારા કલાકોની અંદર ચાંદોદ ગામમાં પાણી પ્રવેશ કરવાની તૈયારીમાં છે, જેને પગલે ગ્રામજનો તેમજ વહીવટી તંત્ર હવે સજજ બન્યું છે.

નર્મદા નદીમાં હોળી ચલાવતા નાવિકો પણ નર્મદા નદીના પૂરના કારણે માત્ર પાંચ પેસેન્જર લઈને હોડી ચલાવી રહ્યા છે. બ્રાહ્મણો તથા શ્રદ્ધાળુઓને નદી કિનારે ન જવાની સલાહ આપી રહ્યા છે. બીજી બાજુ દેવ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના 19 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્યારે તમામ તલાટી કમ મંત્રીઓને પોતાના ગામમાં જ રહેવાની નાયબ કલેક્ટર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે.

હાલ જે પ્રકારની નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોયું છે, જેના કારણે યાત્રાધામ ચાંદોદના બ્રાહ્મણો તેમજ નાગરિકો ખુશખુશાલ છે. પરંતુ બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાને લઈને તે વિસ્તારમાં રહેતા પરિવારોના વહારે આવીને તમામ પરિસ્થિતિ સામે સામનો કરવાની તૈયારી બતાવી રહ્યા છે.

(5:05 pm IST)