ગુજરાત
News of Tuesday, 17th August 2021

સેનાની એરસ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇકની વિશ્વભરમાં થાય છે ચર્ચા : ભારત સામે હવે કોઈ આંખ ઉઠાવીને નહીં જુએ : મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ સાબરમતી તટ પર પહોંચેલી ‘સ્વર્ણિમ વિજય મશાલ’ ને રાજ્યની પ્રજા વતી મુખ્યમંત્રીએ ગૌરવભેર આવકારી: રાજ્યપાલે ભારતીય સેનાએ વિસ્તારવાદી તાકાતોને તાજેતરમાં આપેલા જવાબનો પણ ઉલ્લેખ કર્યો

અમદાવાદ :ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધના શૂરવીરોને સન્માનિત કરવા માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, 1971ના યુદ્ધમાં ભારતીય સેના જે શૌર્યભાવથી યુધ્ધ લડી હતી તેનું સ્મરણ આજે પણ કરવામાં આવે છે. યુદ્ધમાં માત્ર શસ્ત્રથી વિજય પ્રાપ્ત થતો નથી, પણ સેનાનો શૌર્ય અને સમર્પણભાવ અગત્યની ભૂમિકા ભજવે છે. આ અવસરે રાજ્યપાલે ભારતીય સેનાએ વિસ્તારવાદી તાકાતોને તાજેતરમાં આપેલા જવાબનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સ્વર્ણિમ વિજ્ય મશાલને ગુજરાતની પાવન ભૂમિ પર સાબરમતીના તટે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આવકારતા કહ્યું કે, આ વિજય મશાલ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના શૂરવીરોના સમર્પણ અને બલિદાનનુ પ્રતિક છે. ભારતીય સેનાની એરસ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇકની ચર્ચા વિશ્વભરમાં થાય છે. જેના પગલે ભારત સામે કોઇ હવે આંખ ઉઠાવીને નહીં જુએ તેવું જણાવ્યું હતું.

આ કાર્યક્રમની પૂર્વભૂમિકા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 1971ના યુદ્ધમા દેશના સૈનિકોની શોર્યગાથા આ મશાલ થકી યુવાપેઢીમાં જીવંત રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 16 ડિસેમ્બર 2020ના પવિત્ર દિને સમગ્ર દેશમાં ચારે દિશામાં ચાર વિજય મશાલનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યુ છે. આ વિજય મશાલ દેશના ખૂણે ખૂણે જઇને દેશના શૂરવીરોની વીરતાની ગાથા અને લોકોમાં દેશપ્રેમનો નવ સંચાર કરી રહી છે.

આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ભુજની માતાઓ-બહેનોના બલિદાનનું સ્મરણ કરતા કહ્યું હતું કે, 1971ના યુદ્ધમાં જ્યારે દુશ્મન દેશ દ્વારા ભુજના એરબેઝ પર હુમલો કરીને તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ ત્યારે ભુજની માતાઓ-બહેનો, વીરાંગનાઓ દ્વારા એકજૂથ થઈને ખૂબ જ ટૂંકા ગાળામાં એરબેઝને પૂર્વવત કરીને વાયુ સેનાને યુદ્ધમાં મદદ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ ભારતીય સેના પ્રત્યે ગૌરવની લાગણી પ્રગટ કરતા કહ્યું કે, દેશની ત્રણેય પાંખના સૈનિકો સરહદ પર રાત દિવસ તહેનાત રહી દેશસેવા માટે તત્પર રહે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં પણ દેશના સૈનિકોના સમર્પણ ભાવ સાથે દેશસેવાના જુસ્સાનો પણ પરીચય આપ્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીએ અફધાનિસ્તાનમાં લશકર અને તાલિબાન વચ્ચેના સંધર્ષનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, તાલીબાનોએ અફધાનિસ્તાનના ઘણાંય વિસ્તારો કબ્જો મેળવ્યો છે.

આજના કાર્યક્રમને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત લેખાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, યુવાપેઢીને દેશના શૂરવીરોના બલિદાનની અનુભૂતિ થશે. અને તે થકી યુવાપેઢી દેશશક્તિની ભાવનાથી ઓતપ્રોત થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના સશસ્ત્ર દળોએ મેળવેલો ઐતિહાસિક અને નિર્ણાયક વિજય જવાનોના બલિદાન અને શૌર્યનો પુરાવો છે અને આપણા રાષ્ટ્રના નાગરિકો માટે પ્રેરણાસ્રોત છે.

મુખ્યમંત્રીએ આ અવસરે નડાબેટ ખાતેના સીમાદર્શન કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાજ્યના નાગરિકો સીમાદર્શન કાર્યક્રમ થકી સીમાસુરક્ષા અંગેના વિવિધ પાસાઓથી માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા નડાબેટ ખાતે વ્યવ્સથાઓ ઉભી કરવામાં આવી છે.

આજના પવિત્ર અવસરે 1971 ના યુધ્ધમાં પોતાનું યોગદાન આપનારા પૂર્વ સૈનિકોનું અને વીરાંગનાઓનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. ભારત-પાકિસ્તાનના 1971ના યુધ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને પોતાના જીવને દેશ માટે હસ્તા મુખે બલિદાન કરનારા શહિદો માટે આર્મીના બેન્ડ દ્વારા સૂરાવલિ રેલાવાઇ હતી. આ આર્મીના બેન્ડ દ્વારા વિવિધ શૌર્ય સંગીતોની ધૂન વગાડાઇને ઉપસ્થિતને દેશભક્તિના રંગે રંગી દીધા હતા.

આ અવસરે સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ જે.એસ.નેન, અમદાવાદ ગોલ્ડન કટાર ડિવિઝનના વરિષ્ઠ અધિકારી સહિત 1971ના યુધ્ધના સૈનિકો, આર્મિના જવાનો ઉપસ્થિત રહ્યા હતા

(10:14 pm IST)