ગુજરાત
News of Tuesday, 17th August 2021

સુરતના કતારગામમાં બહેન પર નજર બગાડનાર શખ્સ પર મિત્રની મદદ લઇ ભાઈએ ચપ્પુથી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: કતારગામ ગોટાલાવાડીની બાજુમાં રેલ રાહત કોલોનીમાં રહેતો રત્નકલાકાર પૂર્વેશ ભીખાભાઇ રાઠોડ (ઉ.વ. 19) ગત રોજ કોસાડ આવાસ એચ-4 ના બિલ્ડીંગ નં. 293 માં રહેતા કાકા પુનાભાઇ મંગુભાઇ રાઠોડને મળવા ગયો હતો. જયાં એકાદ કલાક રોકાયા બાદ પૂર્વેશ ઘરે જવા નીકળ્યો હતો. કાકાના રહેણાંક બિલ્ડીંગની પાછળથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આવાસમાં રહેતા શંકર નામના યુવાને પૂર્વેશને અટકાવી તું કેમ મારી બહેન સામે જોઇ તેને હેરાન કરે છે. પૂર્વેશે હું તારી બહેનને ઓળખતો નથી તો તેને કયાંથી હેરાન કરવાનો એમ કહેતા વેંત ઉશકેરાયેલા શંકર અને તેના બે મિત્રોએ ગાળાગાળી કરી બે-ત્રણ તમાચા મારી દીધા હતા. અરસામાં આજે તો તને પુરો કરી દેવો છે એમ કહી શંકરે પૂર્વેશે આડેધડ ઘા ઝીંકી દેતા જમણા પડખા, બંને હાથની કોણી અને બાવડા અને ગુપ્તાંગ પાસે ગંભીર ઇજા થઇ હતી. પૂર્વેશે બુમાબુમ કરતા શંકર અને તેના બંને મિત્રો ભાગી ગયા હતા.

ઇજાગ્રસ્ત પૂર્વેશને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂર્વેશ 3 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થતા માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. શંકરે તેની ધર્મની માનેલી બહેન તરફ જોઇ હેરાન કરે છે એમ કહી હુમલો કર્યાનું તપાસમાં બહાર આવ્યું છે. 

(6:07 pm IST)