ગુજરાત
News of Tuesday, 17th August 2021

શાળાઓમાં ૨૪૫ દિવસ શિક્ષણ કાર્ય શૈક્ષણિક વર્ષમાં ૮૦ દિવસ રજાઓ રહેશે

પ્રથમ સત્ર ૧૧૭ અને બીજા સત્રમાં ૧૩૬ દિવસનું શિક્ષણકાર્ય ચાલશે : ૨૧ દિવસનું દિવાળી વેકેશન

અમદાવાદ તા. ૧૭ : શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર થયું છે. જેમાં સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન ૨૪૫ દિવસ શિક્ષણ કાર્યના રહેશે અને ૮૦ દિવસની રજા રહેશે.

કોરોનાની બીજી લહેર શાંત થતાં જ રાજયમાં ૭મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. ત્યારે હવે રાજયની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. રાજયની સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના ૧૧૭ દિવસ રહેશે. જયારે બીજા સત્રમાં ૧૩૬ દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન ૨૪૫ દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર ૩૦ ઓકટોબર સુધી ચાલશે. ત્યાર બાદ ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામા આવશે. જયારે બીજા સત્રનો પ્રારંભ ૨૨ નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન કુલ ૮૦ રજાઓ નક્કી કરાઈ છે. જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે.

રાજયમાં ગત ૭મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેમાં હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. પ્રથમ સત્રમાં અભ્યાસના ૧૧૭ દિવસો રહેશે. જેમાં જૂનમાં ૨૦, જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૩, સપ્ટેમ્બરના ૨૫ અને ઓકટોબરના ૨૩ દિવસોનો સમાવેશ થાય છે.બીજા સત્રની શરૂઆત ૨૨ નવેમ્બરથી થઈ શકે છે. જેમાં અભ્યાસના ૧૩૬ દિવસ રહેશે. નવેમ્બરના ૮, ડિસેમ્બરના ૨૬, જાન્યુઆરીના ૨૪, ફેબ્રુઆરીના ૨૪, માર્ચના ૨૫, એપ્રિલના ૨૩ અને મે ના ૬ દિવસ મળીને કુલ ૧૩૬ દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ ૨૫૩ દિવસનુ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય થશે. જેમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસના ૨૪૫ દિવસો બાકી રહેશે.

૭મી મેના રોજ બીજુ સત્ર પૂર્ણ થયા બાદ ૯મી મેથી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવશે. ૩૫ દિવસનું ઉનાળું વેકેશન ૧૩ જૂન સુધી ચાલશે. રાજયમાં કોરોનાની સ્થિતિને લઈને આ કેલેન્ડરમાં ફેરફારો થઈ શકે છે. હાલમાં માત્ર સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત ૨૧ દિવસનું દિવાળી વેકેશન અને ૩૫ દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જયારે ૧૬ જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે.

સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ ૮૦ દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન ૮૦થી વધુ રજાઓ થવી જોઈએ નહીં. જેથી આ મુજબનું માળખું નક્કી કરવામાં આવ્યું છે.

(3:44 pm IST)