ગુજરાત
News of Tuesday, 17th August 2021

ભૂતકાળના ૭૦ વર્ષોમાં કેન્દ્ર સરકારો જે નથી કરી શકી એનાથી અનેક ગણા વિકાસના કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષના શાસનમાં સમગ્ર દેશમાં થયા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતને અનેક નવા નવા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી ગુજરાતના સર્વાંગી વિકાસના નવા દ્વાર ખોલ્યા : ભારતીય જનતા પાર્ટીએ લોકોને જે વચનો આપ્યા છે તે સાચા અર્થમાં પૂર્ણ કર્યા છે.: કાશ્મીરમાં ૩૭૦ ની કલમ હટાવીને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, તે કેન્દ્ર સરકારે સાબિત કરી બતાવ્યું :જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે લીમડી ખાતેના કાર્યક્રમમાં સહભાગી બનેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અમદાવાદ : ગુજરાતમાં આજથી આરંભાયેલી જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે લીમડી ખાતેના કાર્યક્રમમાં સહભાગી બનેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભૂતકાળના ૭૦ વર્ષોમાં કેન્દ્ર સરકારો જે નથી કરી શકી એનાથી અનેક ગણા વિકાસના કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષના શાસનમાં સમગ્ર દેશમાં થયા છે. ભૂતકાળમાં કોઈ પણ વડાપ્રધાને ગુજરાતની ચિંતા કરી નહોતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતને અનેક નવા નવા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી ગુજરાતના સર્વાંગી વિકાસના નવા દ્વાર ખોલ્યા છે.

 મુખ્યમંત્રીએ જન આશીર્વાદ યાત્રા લઈને આવેલા કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા સહિતની ટીમને રાજ્યની જનતા વતી શુભેચ્છાઓ પાઠવી ગુજરાતના આઠ - આઠ મંત્રીઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવા બદલ વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાંથી કોળીના દીકરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ હોય તેવી આ પ્રથમ ઘટના છે. વડાપ્રધાનએ તેમની કેબિનેટમાં તમામ વર્ગના લોકોને પ્રતિનિધિત્વ આપી સાચા અર્થમાં સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ લોકોને જે વચનો આપ્યા છે તે સાચા અર્થમાં પૂર્ણ કર્યા છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં રામ, કિસાનો કો સહી દામ,  મહેગાઈ પે લગામ, હટાવો ભ્રષ્ટાચારી બદનામ આ મંત્રથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરી રહી છે. અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે, જ્યારે કાશ્મીર માં ૩૭૦ ની કલમ હટાવીને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, તે કેન્દ્ર સરકારે સાબિત કરી બતાવ્યું છે.
મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા સાત વર્ષમાં હાથ ધરેલા કાર્યોની વિસ્તૃત છણાવટ કરતા ઉમેર્યું હતું કે, સિટિઝન શીપ, ત્રિપલ તલાક, ખેડૂતો માટેના નવા કાયદા, લેબર લો માં સુધારો સહિતના કાયદાઓ ઉપરાંત વિકાસને આગળ વધારવાની સાથે ઉજ્વલા યોજના, આયુષ્માન ભારત, આવાસ યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ટેકાના ભાવમાં વધારો સહિતની યોજનાઓના સઘન અમલીકરણ થકી કેન્દ્ર સરકારે સાચા અર્થમાં ગરીબ મજૂર ખેડૂત પીડિત શોષિત વર્ગની ચિંતા કરી છે. એટલું જ નહિ પરંતુ કોરોનાના કપરા કાળમાં પણ દેશવાસીઓના આરોગ્યની ચિંતા કરી તેમને કોરોના સંક્રમણથી બચાવવાની સાથે બે-બે વેક્સિન બનાવીને ભારત વર્ષના નાગરિકોની સુરક્ષાની સાથે દુનિયાના અન્ય દેશોને પણ પૂરી પાડી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપ્યો છે.

(9:35 am IST)