ગુજરાત
News of Tuesday, 17th August 2021

અમદાવાદમાં અપહરણ બાદ આધેડની હત્યા થઈ

અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા : અમરાઈવાડી ખાતેથી એક આધેડનું અપહરણ કરી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી તેની લાશ ફેંકી દેવામાં આવી

અમદાવાદ,તા.૧૬ :  અમદાવાદ શહેરમાં ૧૫મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ દિવસે આધેડની થયેલી હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે આધેડના એક્ટિવા સાથે જાણી જોઈને બાઇક અથડાવવામાં આવે છે. જે બાદમાં આધેડને બળબજરીથી લઈ જવામાં આવે છે. સામે આવેલા સીટીવીમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પહેલાથી મોઢા પર રૂમાલ બાંધીને બાઇક પર આધેડ એક્ટિવા લઈને નીકળે તેની રાહ જોઈને ઊભો છે. આધેડ જેવા એક્ટિવા લઈને આવે છે ત્યારે તે તેની સાથે બાઇક અથડાવી દે છે.

આધેડ નીચે પટકાતા પાછળ એક સ્કૂટર અને બાઇક લઈને આવેલા ચાર લોકો તેમને બળબરીથી બાઇક પર બેસાડી દે છે. આખો બનાવ લોકોની લોકોની અવરજવર વચ્ચે જાહેર રસ્તા પર બન્યો હતો. આધેડના અપહરણ બાદ તેમની હત્યા કરીને લાશને ફેંકી દેવામાં આવી હતી. જાહેરમાં એક આધેડને બાઇક પર ઉઠાવી જઈને હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. લોકો બનાવ વિશે જાણીને થરથર કંપી રહ્યા છે.

છાશવારે લોકોની હત્યા જેવા બનાવો બનતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવો વધી રહ્યા છે. શનિવારે રાત્રે શહેરના અમરાવાડી વિસ્તારમાં ગેરકાયદેસાર બાંધકામના વિવાદ ઝઘડા મુદ્દે પાડોશીઓ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી એક આધેડને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. શનિવારે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા હાટકેશ્વરમાં વધુ એક હત્યા થઈ હતી.

અહીં એક આધેડ રાજારામ મદ્રાસીને ચાર શખ્સો હટકેશ્વરમાં આવેલા તેના ઘર પાસેથી બાઇક પર મોદીનગર લઈ ગયા હતા. જે બાદમાં તીક્ષ્ણ હથિયારથી તેમની હત્યા કરી નાખી હતી. મોદીનગર ખાતેથી તેમનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. બનાવને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યાં હતાં. સાથે પોલીસે બે આરોપી હરીશ નાયકર અને માધવ નાયકરની ધરપકડ કરી હતી. બનાવની વિગતે વાત કરીએ તો રાજારામ મદ્રાસી હાટકેશ્વરમાં રહેતા હતા.

તેઓ હાલ નિવૃત્ત જીવન ગુજારતા હતા. રાજારામ મદ્રાસીએ ૧૫ વર્ષ અગાઉ ચીનેયા નાયકર, માધવન નાયકર, હરીશ નાયકર, ચંદુ નાયકર સામે અમરાઈવડીના મોદીનાગરમાં આવેલા તેમના ચાર મકાનની બાજુ આવેલી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કર્યો છે. મામલે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આજ જમીન વિવાદને લઈને શનિવાર સાંજે રાજારામ મદ્રાસી એક્ટિવા લઈને ગેસનો બાટલો લેવા જતા હતા ત્યારે તેમના એક્ટિવા સાથે બાઇક અથડાવીને ચાર આરોપીઓ તેમનું બાઇક પર અપહરણ કરી ગયા હતા.

(9:32 am IST)