ગુજરાત
News of Tuesday, 17th May 2022

રાજ્યના વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી સુવિધાઓ મળી રહે તેમાટે રાજ્ય સરકાર કટિબદ્ધ: શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ખાતે વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયો જાહેર કરતા શિક્ષણ મંત્રી: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્ગારા પ્રકાશિત પુસ્તકો પર ૪૦ ટકા વળતર અપાશે:બોર્ડ ખાતે વાંચનાલયની સુવિધા સવારના ૮ થી સાંજના ૮ સુધી પૂરી પડાશે: સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબધિત ૪૫ ઉપયોગી પુસ્તકોનો એક સંપુટ તૈયાર કરાયો

અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ખાતે મુલાકાત લેતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે રાજ્યના વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
   યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ખાતે વેચાણ કેન્દ્ર અને  વાંચનાલયની મુલાકાત લઈ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયો જાહેર કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્ગારા પ્રકાશિત પુસ્તકો પર ૪૦ ટકા વળતર અપાશે. વિદ્યાર્થીઓ બોર્ડ દ્વારા પ્રકાશિત તમામ પુસ્તકો વાંચી UPSC , GPSC , SSC વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી શકે તે હેતુ બોર્ડ ખાતે વાંચનાલયની સુવિધા સવારના ૮ થી સાંજના ૮ સુધી પૂરી પાડવામાં આવશે. બોર્ડ દ્વારા પ્રકાશિત પુસ્તકો ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને ઇસ્યુ પણ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પુસ્તકો પોતાની સાથે લઈ જઈ શકે. મંત્રીએ વિદ્યાર્થીઓ માટે પુસ્તક વિતરણ કરવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત રૂ. ૧૩ લાખના પુસ્તકોનું વેચાણ કરવામાં આવ્યું છે.
   યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુરૂપ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. આવા ૪૫ ઉપયોગી પુસ્તકોનો એક સંપુટ બાનવવામાં આવ્યો છે જે રાજ્યની તમામ ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ અને સરકારી ગ્રંથાલયો દ્વારા ખરીદવામાં આવ્યો છે. તદુપરાંત બોર્ડના પુસ્તકો ઉચ્ચ શિક્ષણની વિવિધ વિદ્યાશાખાઓ માટે આધારભૂત સંદર્ભ ગ્રંથો ગણાય છે. આ તમામ પ્રકાશનો બોર્ડની વેબ સાઇટ www.granthnirman.com પર થી ઓનલાઇન ખરીદી શકાય છે.
    અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રૂ એક કરોડ દસ લાખનાં  પુસ્તકોનું વેચાણ કરવામાં આવ્યું છે. આ વર્ષ દરમ્યાન ૨૪ જેટલી પ્રથમ આવૃત્તિઓ સહિત ૫૦ જેટલા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

 

(7:52 pm IST)