ગુજરાત
News of Tuesday, 17th May 2022

વડોદરાના રાવપુરા વિસ્તારમાં જ્યુબિલીબાગ ચોકીમાં પોલીસની હાજરીમાં જ છૂટાહાથની મારામારી કરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા: અગાઉના ઝગડાની ફરિયાદ સંદર્ભે નિવેદનની પ્રક્રિયા દરમિયાન જયુબીલીબાગ પોલીસ ચોકીમાં પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ જાહેરમાં મારામારી કરનાર અરજદાર અને આરોપી સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથકના જવાનો ગઈકાલે જયુબીલીબાગ પોલીસ ચોકી ખાતે ફરજ પર હતા. અગાઉ અરજદાર ભાવેશભાઈ હરેશભાઈ મોદીયાણી ( રહે - સંતોષ એપાર્ટમેન્ટ, વારસિયા)એ 08મી મેના રોજ દુકાન ઉપર થયેલા ઝગડા સંદર્ભે કૃણાલ પારસભાઈ કુકરેજા ( રહે - સરસ્વતી એપાર્ટમેન્ટ ,વારસિયા )વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે અરજદાર તથા સામે પક્ષના કૃણાલભાઈને જ્યુબિલી બાગ પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. નિવેદનની પ્રક્રિયા દરમિયાન ફરિયાદી અને આરોપી બાખડયા હતા. અને પોલીસ કર્મીઓની હાજરીમાં જ છુટા હાથની મારામારી કરી હતી. બનાવ સંદર્ભે પોલીસ કર્મચારીએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી 160 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:58 pm IST)