ગુજરાત
News of Tuesday, 17th May 2022

નડિયાદમાં ડુંગળી ભરેલ રીક્ષા પલ્ટી ખાતા રસ્તા પર થયો ટ્રાફિક જામ:ચારે કોર ડુંગળીની રેલમછેલ જોવા મળી

નડિયાદ : નડિયાદ શહેરમાં ડુંગળીને કારણે સિટી જીમખાના ગ્રાઉન્ડ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. રિક્ષા પલટી ખાઈ જતાં રિક્ષામાં ભરેલી ડુંગળી રસ્તા પર વેરાઈ જવાને કારણે ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો ઉભા રહી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

નડિયાદ શહેરમાં સીટી જીમખાના ગ્રાઉન્ડ સામે આવેલી માહિતી ખાતાની કચેરી નજીક રોડની સાઇડ પર પાર્ક કરેલા એક આઇશર ટ્રક સાથે ડુંગળી ભરી જતી લોડિંગ રિક્ષા ધડાકાભેર અથડાતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેથી રિક્ષામાં ભરેલી ડુંગળી રોડ ઉપર વેરણછેરણ થઈ જતા રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આજુબાજુ ના લોકો ઘટના સ્થળે દોડી આવી ડુંગળી ભરી ગયા હતા. લોડિંગ રિક્ષા પલટી ખાતાં ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જ્યારે ઉભી રહેલ આઈશર ટ્રકની કેબીનનો કાચ તુટી જતા નુકસાન થયું હતું. આ સંદર્ભે નડિયાદ સીટી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

(5:54 pm IST)