ગુજરાત
News of Wednesday, 17th January 2018

માંડવીના પીપરીયા ગામને દેશના પ્રથમ સ્માર્ટ વિલેજનો એવાર્ડ : સરકારની વિવિધ યોજનાઓ મારફત ગામને સ્માર્ટ બનાવાયું

સુરત : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આદિવાસીઓની બહુમત વસ્તી ધરાવતા પીપરીયા ગામને ભારત દેશના પ્રથમ સ્માર્ટ વિલેજ એવોર્ડ માટે પસંદ કરાયું છે. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)ને બદલે ૧૫૦૦ની વસ્તી ધરાવતા આ ગામને સરકારની વિવિધ યોજનાઓ મારફત જ સ્માર્ટ બનાવાયું છે.

સુરતના માંડવી તાલુકાના અંતરીયાળ  વિસ્તારમાં આવેલા પીપરીયા ગામમાં ૯૫ ટકા આદિવાસીઓની અને ૫ ટકા કોળી પટેલોની વસ્તી છે. ગામમાં મોટાભાગની જમીન ૭૩ એએ (આદિવાસીઓ માટેની) હોવાથી ગામની જમીનો બિનખેતી થઇ શકતી નથી. તેથી અહી પીપીપી દ્વારા વિકાસ કરવો અશક્ય હતો. જેથી સરકારની યોજાનાઓ થકી આ ગામને સ્માર્ટ વિલેજ બનાવાયું છે એમ સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. રાજેશે જણાવ્યું હતું.

ગામમાં મુખ્ય મુદ્દો રોજગારીનો હતો. જેથી ગામની ૧૦૦ જેટલી મહિલાઓને ગાયો આપીને તેમને પશુપાલન તેમજ દૂધના વ્યવસાય સાથે સાંકળી લેવાતા તેમની આવકનો સ્ત્રોત ઉભો થયો છે. એનઆરઆઇઓના કેટલાક ગામોમાં હોય છે તેવી તમામ સુવિધા આ ગામમાં સરકારી યોજના મારફત ઉપલબ્ધ કરાવાઇ છે. જેને પગલે સ્માર્ટ ગામ બનેલા પીપરીયા ગામને દેશના પ્રથમ સ્માર્ટ વિલેજનો એવોર્ડ મળ્યો છે. તા.૨૦ જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે કલામ ઇનોવેશન ઇન ગવર્નન્સ એવોર્ડ પીપરીયા ગામને એનાયત થશે.

(4:20 pm IST)