ગુજરાત
News of Thursday, 16th September 2021

કોળી, ક્ષત્રિયોને નબળું પ્રતિનિધિત્વ અને આહિરોની બાદબાકી, સૌરાષ્ટ્રમાં ભાજપ માટે કપરાં ચઢાણ

ગત મંત્રીમંડળમાં ૪ ક્ષત્રિયોની સામે આ વખતે ૨ને જ સ્થાન મળતાં ક્ષત્રિય સમાજને પણ અવગણનાની લાગણી થઈ શકે : વાસણ આહિર, જવાહર ચાવડા નો-રિપિટમાં કપાયા, કોળી સમાજના મકવાણા અને માલમ પરસોત્તમ સોલંકી અને બાવળિયાની સરખામણીએ ફિક્કા

અમદાવાદ, તા.૧૬: નવનિર્વાચિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં આખરે મોવડીમંડળનું ધાર્યું થયું છે અને નો-રિપિટ થિયરી લાગુ કરી દેવામાં આવી છે. અનેક દિગ્ગજોને કાપ્યા પછી નવા નામોની જાહેરાતમાં ઝોન અને જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરવાનો પ્રયાસ થવા છતાં સૌરાષ્ટ્રમાં કોળી, ક્ષત્રિય અને આહિર એવા ત્રણ નિર્ણાયક જ્ઞાતિ સમુહોમાં નારાજગી સ્પષ્ટ બને તેવા એંધાણ વર્તાય છે.

પરસોતમ સોલંકી અને કુંવરજી બાવળિયાને પડતાં મૂકીને તેમનાં સ્થાને દેવા માલમ અને આર.સી. મકવાણાને મંત્રીમંડળમાં સમાવાયા છે. એ મુજબ સંખ્યાની દૃષ્ટિએ કોળી સમાજનું પ્રતિનિધિત્વ સંતુલિત થયું ગણાય, પરંતુ સમાજ પર પ્રભાવની દૃષ્ટિએ આ નિર્ણય ભાજપને ભારે પડી શકે છે. પરશોતમ સોલંકી ભાવનગરથી ચોરવાડ સુધીના દરિયાકાંઠાના ચુંવાળિયા કોળી સમાજ પર પ્રચંડ પ્રભાવ ધરાવ છે. જયારે કુંવરજી બાવળિયા રાજકોટ, સુરેન્દ્રનગર, ભાલ (ધંધુકા)ના કોળીઓ પર પકડ ધરાવે છે. તેમની સરખામણીએ દેવાભાઈ માલમ (કેશોદ) અને આર.સી. મકવાણા (મહુવા) તદ્દન નવોદિત અને બિનપ્રભાવી ગણાશે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ૨૨-૨૫ લાખની વોટબેન્ક ધરાવતો આહિર સમાજ દસથી ૧૨ બેઠકો પર નિર્ણાયક બને છે. જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજુલા (અમરેલી) વિસ્તારમાં પ્રભાવક સંખ્યા ધરાવતા આહિર સમાજમાંથી વાસણ આહિર અને જવાહર ચાવડા બંને મોટા નેતા છે અને એ બંને નો-રિપિટ થિયરીમાં કપાઈ ગયા પછી ભાજપ પાસે હવે સમ ખાવાનો પણ એકેય આહિર ધારાસભ્ય નથી. હજુ પણ જો સોગંદવિધિમાં આ બે પૈકી કોઈ એકને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી નહિ મળે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં આહિર વોટબેન્કની નારાજગી વકરી શકે છે. કોંગ્રેસના ત્રણ આહિર ધારાસભ્યો વિક્રમ માડમ, ભગવાન બારડ અને અંબરિષ ડેર તેમાં પવન ફૂંકવા સક્ષમ છે.

સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ જુનાગઢ, અમરેલીને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં નિર્ણાયક પ્રભુત્વ ધરાવે છે. ગત મંત્રીમંડળમાં ચાર ક્ષત્રિયો હતાં તેની સામે હાલ બેને જ તક મળી છે. પ્રદીપસિંહ જાડેજા (અમદાવાદ) અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા (ધોળકા) સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજ પર પ્રભાવ ધરાવે છે. હકુભા જાડેજા (જામનગર) અંગત લોકપ્રિયતાના જોરે જીતવા સક્ષમ મનાય છે. ઉત્ત્।ર ગુજરાતના જયદ્રથસિંહ પરમાર પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભાવશાળી છે. તેની સામે હાલ કિરીટસિંહ રાણા (લીંબડી) એ એક જ સૌરાષ્ટ્રના ક્ષત્રિય છે. કાંકરેજના કિર્તીસિંહ વાદ્યેલા સૌરાષ્ટ્રના ક્ષત્રિયો માટે તદ્દન અજાણ્યાં છે.

(4:18 pm IST)