ગુજરાત
News of Wednesday, 16th September 2020

અમદાવાદમાં 20 વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી હટાવ્યા:7 વિસ્તારો ઉમેરાયા

ઉ. પશ્ચિમ ઝોનમાં કોરોનાનો પ્રભાવ વધુ, ટેસ્ટ કેમ્પો યથાવત

અમદાવાદઃ  શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો ઘટયા છે. સિવિલ હોસ્પિટલ તથા SVP હોસ્પિટલોમાં વેન્ટીલેટરવાળા જ દર્દીઓ આવતાં હોવાની સાથોસાથ આ હોસ્પિટલોમાં પણ ખાસ કરીને એસવીપી હોસ્પિટલમાં બેડ ભરાઇ ગયા હોવાથી દર્દીઓને દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે.

બુધવારે અમદાવાદ શહેર માત્ર 7 માઇક્રો કન્ટેનમેન્ટ  વિસ્તાર જાહેર કરાયાં છે. બીજી તરફ કોરોના કેસો શોધી કાઢવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે રિતસરની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરુપે જ શહેરના જુદા જુદા વોર્ડમાં કોરોના ટેસ્ટિંગ માટે કેમ્પો શરૂ કર્યા છે.પરંતુ આ કેમ્પોમાં કેટલાં ટેસ્ટીંગ થયા અને તેમાં કેટલાં નેગેટીવ કે પોઝીટીવ આવ્યા તે અંગે કોર્પોરેશને આજે પણ આ અંગેના કોઇ આંકડા જાહેર કર્યા નથી.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 368 માઇક્રો કન્ટેનમેન્ટ  વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 20 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

તેની સામે 7 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ  વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 368 વિસ્તારોમાંથી 20 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 348 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 7 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 355 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમ ઝોન પર કોરોના પોઝીટીવ કેસોનો પ્રભાવ હોવાનું જોવા મળ્યું હતું

(11:56 pm IST)