ગુજરાત
News of Wednesday, 16th September 2020

૨૪ ગુનામાં વૉન્ટેડ આરીફ મીરને ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો

આરોપી આરીફ ઘણા સમયથી નાસતો ફરતો હતો : ૨૦૧૧માં આરીફને પકડવા ગયેલા ડીવાયએસપી અને પીઆઈ વ્યાસ સહિતની ટીમ પર આરીફે હુમલો કર્યો હતો

મોરબી,તા.૧૬ : ક્રાઇમ બ્રાંચે નાસતા ફરતા આરીફ મીરની ધરપકડ કરી છે. મોરબી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીબી જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સજા પામેલા તેમજ મારામારી, લૂંટ સહિતના ૨૪ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી આરીફ ગુલામભાઇ મીર (રહે. કાલીકા પ્લોટ, સાયન્ટિફિક રોડ, મોરબી)ની માળીયા મિયાણાની ભીમસર ચોકડી નજીકથી ઝડપી પાડ્યો છે. વર્ષ ૨૦૧૧માં આરીફને પકડવા ગયેલા ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા, એ ડિવિઝન પીઆઈ એનકે વ્યાસ સહિતની ટીમ પર આરીફે હુમલો કર્યો હતો. આ ગુનામાં ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં વર્ષ ૨૦૧૮માં આરોપી આરીફ ગુલામભાઈ મીર તથા તેના સાગરીતને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે, સજા સામે ઉપરની કોર્ટમાં અપીલ કરતા સેશન્સ કોર્ટે એક આરોપીની સજા માફ કરી હતી અને આરીફ મીરને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

              જે બાદ આરોપી આરીફ મીર ઘણા સમયથી નાસતો ફરતો હતો. આરીફ અંગે પોલીસને બાતમી મળી હતી કે તે સફેદ કલરની ક્રેટા ગાડી લઇ અમદાવાદ તરફથી માળીયા થઇ મોરબી આવી રહ્યો છે. આ દરમિયાન માળીયા મિયાળા ભીમસર ચોકડી ખાતે એલસીબી ટીમે વોચ ગોઠવી આરોપી આરીફ ગુલામભાઈ મીરને રાત્રીના ૧૦:૪૫ ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે મોરબી શનાળાના હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા વચ્ચે દુશ્મનાવટમાં વર્ષ-૨૦૧૭માં પકડાયેલા આરોપીના ભાઇ મુસ્તાક મીરની હત્યા થઈ હતી. વર્ષ-૨૦૧૮માં આરોપી આરીફ મીર ઉપર જીવલેણ હુમલો પણ થયો હતો. મીરની ધરપકડ પહેલા હિતુભા ઝાલાને પણ એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા આરોપી આરીફ મીરનો ગુનાહિત ઇતિહાસ જોઇએ તો આરોપી આરીફ પર હત્યાનો પ્યાસ, રાજ્યસેવક પર હુમલો, દારૂ, મારામારી અને રાયોટિંગ સહિત ૨૪ જેટલા ગુના નોંધાયા છે. આ સફળ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ વીબી જાડેજા, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, સંજયભાઇ પટેલ, સતિષભાઇ કાંજીયા જોડાયા હતા.

(7:21 pm IST)