ગુજરાત
News of Wednesday, 16th September 2020

ખેડા તાલુકાના નવાગામના બુટલેગરને પોલીસે કારમાં દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

ખેડા તાલુકાના નવાગામનો બુટલેગર પ્રમોદભાઈ ઉર્ફે પ્રમુખ કાળાભાઈ ચુનારા સ્વીફ્ટ ગાડી નં. જીજે-૨૭, સી-૭૦૫૮માં દેશી દારૂનો જથ્થો ભરી બારેજા તરફ જતો હોવાની માહિતી ખેડા જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે નવાગામ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ઉક્ત વર્ણનવાળી સ્વીફ્ટ ગાડી આવતાં પોલીસે તેને રોકી હતી. અને ગાડીમાંથી પ્રમોદભાઈ ઉર્ફે પ્રમુખ કાળાભાઈ ચુનારાની અટકાયત કરી હતી. ત્યારબાદ ગાડીની તલાશી લેતાં ચાર કારબામાં ભરેલો ૧૪૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો દસક્રોઈ તાલુકાના બારેજામાં આવેલ મોટા ચુનારાવાસ વિસ્તારમાં રહેતાં મીરાબેન જયંતીભાઈ ચુનારાને આપવા જતો હોવાની પ્રમોદભાઈએ કબૂલાત કરી હતી.
પોલીસે દેશી દારૂ કિંમત રૂ.૨૮૦૦, અંગજડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૧૦૦૦ તેમજ સ્વીફ્ટ ગાડી મળી કુલ રૂ.૨,૦૩,૮૦૦નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા પ્રમોદભાઈ ઉર્ફે પ્રમુખ કાળાભાઈ ચુનારા તેમજ દેશી દારૂનો જથ્થો મંગાવનાર મીરાબેન જયંતીભાઈ ચુનારા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:09 pm IST)