ગુજરાત
News of Wednesday, 16th September 2020

જૂગારનો અડ્ડો ચલાવતાં પકડાય તેની સામે પણ હવે થઇ શકશે પાસા

ગૃહવિભાગે પાસાના કાયદામાં કર્યો સુધારોઃ પહેલા માત્ર દારૂ-મારામારીમાં પાસા થતાં: હવે સાયબર ક્રાઇમ અને છેડતીના ગુનામાં પણ લઇ શકાશે પાસાના પગલા

રાજકોટ તા. ૧૫: ગુનેગારોને કાબુમાં રાખવા શહેર પોલીસ કમિશનરને તેને પાસા તળે જેલમાં મોકલવાની સત્તા છે. અત્યાર સુધીમાં અનેક સામે પાસાનું શસ્ત્ર ઉગામાઇ ચુકયું છે. હવે આ કાયદામાં ગૃહવિભાગે સુધારો કર્યો છે અને હવેથી જૂગારનો અડ્ડો ચલાવતાં પકડાય તો તેની સામે પણ પાસા તળે કાર્યવાહી કરી શકાશે.

ગૃહવિભાગે ૧૪મીએ એક આદેશ બહાર પાડી રાજ્યના ડીજીપી તથા તમામ પોલીસ કમિશનર, જીલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને પાસા કાયદામાં થયેલા સુધારા બાબતે જાણ કરી છે. અત્યાર સુધી માત્ર દારૂ-મારામારીના ગુનાઓમાં પકડાય તેની સામે જ પાસાની કાર્યવાહી થતી હતી. પરંતુ હવે નવા સુધારા મુજબ જૂગારનો અડ્ડો ચલાવતાં એટલે કે જૂગારધામ ચલાવતાં જે સંચાલક પકડાય તેની સામે પણ પાસા તળે કાર્યવાહી થઇ શકશે.

આ ઉપરાંત અન્ય બે સુધારામાં સાયબર ક્રાઇમના ગુનામાં તેમજ જાતીય સતામણીના ગુનામાં પણ પાસા તળે કાર્યવાહી થઇ શકશે. નવા સુધારા પાસા કરવા અંગે શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની રાહબરીમાં પીસીબી પીઆઇ એન. કે. જાડેજા અને ટીમે અભ્યાસ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળે છે.

(3:05 pm IST)