ગુજરાત
News of Wednesday, 16th September 2020

ગુજરાતમાં સૌપ્રથમ વખત ધર્મ, જાતિ, પિતાના નામ - અટકના ઉલ્લેખ વગરનું LC અપાયું

વિદ્યાર્થીનીના પિતાએ નાત -જાત કે ધર્મના ભેદભાવથી ઉપર ઉઠી અને આ પ્રકારની માન્યતાઓને નાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે શાળાને વિનંતી કરી હતી

અમદાવાદ,તા.૧૬: ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્થિત એચ.ડી. સનરાઈઝ ઈંગ્લિશ સ્કૂલે એવું લિવિંગ સર્ટિફિકેટ ઈસ્યુ કર્યું છે કે, જેમાં વિદ્યાર્થિનીના ધર્મ, જાતિ, અટક અને પિતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

વિદ્યાર્થિનીના પિતાએ નાત-જાત કે ધર્મના ભેદભાવથી ઉપર ઉઠી અને આ પ્રકારની માન્યતાઓને નાબૂદ કરવાના મક્કમ ઈરાદા સાથે શાળાને વિનંતી કરી હતી કે, તેની દિકરીના લિવિંગ સર્ટિફિકેટમાં ધર્મ, જાતિ, અટક અને પિતાના નામનો ઉલ્લેખ કરવો નહીં, આ રજૂઆતને શાળાએ માન્ય રાખીને આવું લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થિનીને આપ્યું છે.

આ પ્રકારનું લિવિંગ સર્ટિફિકેટ મેળવતા પહેલાં વિદ્યાર્થિનીના પિતાએ ગાંધીનગરના જિલ્લા કલેકટરને પત્ર લખીને વિનંતી કરી હતી. જે પછી આ પત્ર કલેકટરે જિલ્લા શિક્ષણાધિકારીને ફોરવર્ડ કર્યો હતો. ત્યારબાદ ડીપીઈઓએ શાળાને નિર્દેશ આપ્યો હતો કે આ બાબતમાં કાયદા મુજબ પગલાં લેવા.

જો કે શાળાએ પહેલાં તો આ પ્રકારનું લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી. જેથી વિદ્યાર્થિનીના પિતાએ ગાંધીનગર કલેકટરને રૂબરું રજૂઆત કરી હતી. ત્યારબાદ શાળાએ આ લિવિંગ સર્ટિફિકેટ આપ્યું છે. વિદ્યાર્થિનીના પિતાનું માનવું છે કે જો પિતા કે અટકનો ઉલ્લેખ બાળકના નામ પાછળ ન હોય તો ભવિષ્યમાં બાળક કોઈ બાબતથી પીડિત બન્યું હોય તો પિતા કે અટકના ચક્કરમાં ફસાયા વગર માનસિક ત્રાસમાંથી બચી જાય છે.

મહત્વનું છે કે વર્ષ ૨૦૧૬માં મદ્રાસ હાઈકોર્ટે એક જાહેરહિતની અરજીમાં ચુકાદો આપેલો છે કે, બંધારણના આમુખ મુજબ જો જાતિવિહીન સમાજની રચના કરવી હોય તો લોકોને તેમના ધર્મ, જાતિ દર્શાવવા માટે ફરજ પાડવી જોઈએ નહીં. જે ચુકાદા બાદ તામિલનાડુની સ્નેહા નામની યુવતી જાતિ કે ધર્મ વગરનું લિવિંગ સર્ટિફિકેટ મેળવનારી દેશની પ્રથમ નાગરિક બની હતી.

(11:26 am IST)