ગુજરાત
News of Tuesday, 16th January 2018

વડોદરામાં CCTV તોડીને ૩ ATMને નિશાન બનાવતા તસ્કરો

વડોદરા તા. ૧૬ : વડોદરા શહેરમાં ઉત્તરાયણની મધ્યરાત્રિએ તસ્કરોએ શહેરના ત્રણ એટીએમને નિશાનો બનાવી અને લાખો રૂપિયાની ઉઠાંતરી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ શહેરના આજવા રોડ પર આવેલા વેકસીન ગ્રાઉન્ડ પાસે આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમને તસ્કરોએ નિશાન બનાવી કટર વળે એટીએમ કાપી અને એટીએમમાંથી કેશ બોકસ ઉઠાવી ગયા હતા ચોરી કરવા આવેલા તસ્કરોએ સીસીટીવીને તોડી અને ચોરીને અંજામ આપ્યો હતો. જયારે પોલીસે તપાસ કરતા નજીકના ખેતરમાંથી કેશ બોકસ મળી આવ્યું હતું.

બીજા બનાવમાં તરસાલી બસ સ્ટેન્ડ પાસે બેન્ક ઓફ મહારાષ્ટ્રના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જયારે તેમાં પણ સીસીટીવી બંધ કરી અને તસ્કરો કેશ બોકસ ઉઠાવી ગયા હતા.

ત્રીજા બનાવમાં માંજલપુર ઈવા મોલ નજીક આવેલા એટીએમ ને નિશાન બનાવ્યું હતુ. જેમાં ગત ૧૧ તારીખે બેન્ક દ્વારા ૨૧ લાખ રિફિલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે જયારે કેશ વિડ્રો કર્યા બાદ કેટલી કેશ બચી હતી તેની તપાસ બેન્ક દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:07 pm IST)