ગુજરાત
News of Friday, 15th December 2017

સુરતમાં ડોકટર ઉપર હુમલાના ઘેરા પ્રત્‍યાઘાતઃ રેસીડેન્‍ટ ડોકટરોની હડતાલ

દર્દીઓને હાલાકી - તબીબોનો હેલ્‍મેટ સાથે વિરોધ - સૂત્રોચ્‍ચાર

રાજકોટ તા. ૧૫ : નવી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન દર્દીના મોત બાદ સંબંધીઓએ વોર્ડમાં જઈને રેસિડેન્‍ટ તબીબ પર બુધવારે રાત્રે હુમલો કરી દીધો હતો. વિરોધમાં તમામ રેસિડેન્‍ટ તબીબ હડતાળ પર જતા હજારો દર્દીઓને હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ બહારથી તબીબોને બોલાવવામાં આવ્‍યા છે. અને આરએમઓ સહિત ટીમો આજે સવારથી રાઉન્‍ડ લગાવી પરિસ્‍થિતિનું નિરીક્ષણ કરી રહી છે. તબીબો હેલમેટ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. અને સિવિલ કેમ્‍પસમાં રેલી કાઢી સૂત્રોચ્‍ચાર કર્યા હતા.

નાનપુરા ખાતે રહેતા મહિલાને તેમના પરિવારજનો સારવાર માટે નવી સિવિલ હોસ્‍પિટલમાં લઈ આવ્‍યા હતા અને દાખલ કરાયા હતા. તેમને છાતીના ભાગે ઈન્‍ફેકશન હોવાને કારણે જે-૪ વોર્ડમાં દાખલ કરાયા હતા. તેમની હાલત ગંભીર હોવાથી, તબીબોએ પહેલાથી જ તેમની હાલત નાજુક હોવાની જાણ, પરિવારને કરી દીધી હતી. સાંજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારના સભ્‍યો તેમનો મૃતદેહ પણ લઈ ગયા હતા. ત્‍યાર બાદ રાત્રે ૮ વાગ્‍યાના અરસામાં તેમના પરિવારજનો અને સંબંધીઓ સહિત સાત થી આઠ વ્‍યક્‍તિ સિવિલ હોસ્‍પિટલમાં આવ્‍યા હતા. જે-૪ વોર્ડમાં ફરજ બજાવી રહેલા રેસિડેન્‍ટ ડોક્‍ટર મિતલ કોઠારી સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી, હુમલો કરી દીધો હતો.

સાતથી આઠ અજાણ્‍યાઓ દ્વારા ડો.મિતલ કોઠારીને ઢોર મારમાર્યા બાદ નાસી છુટ્‍યા હતા. બનાવને પગલે રેસિડેન્‍ટ તબીબોએ હોબાળો મચાવી દેતા હોસ્‍પિટલના સત્તાધીશો દોડી ગયા હતા. બનાવ અંગે ફોરેન્‍સિક વિભાગના વડા ડો.ગણેશ ગોવેકરે ખટોદરા પોલીસ મથકમાં સાત થી આઠ અજાણ્‍યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:46 pm IST)