ગુજરાત
News of Friday, 15th October 2021

અમદાવાદ : લાંચ લેવામાં ઝડપાયેલા અધિકારીઓને લાજ- શરમ પણ નહીં : એસીબીની ઓફિસમાં ખુરશી પર બેસી ગયા

કુરેશીએ નીચે બેસવા ઇન્કાર કર્યો તો મહિલા ટીડીઓ પણ પાવર દેખાડ્યો : સીધા જવાબ નથી આપતા અને ફોન કરવા દેવાની માંગ કરી

અમદાવાદ: શહેરમાં બે દિવસ પહેલા એસીબીના સંકજામાં કોર્પોરેશનના ઢોર અંકુશ વિભાગમાં ફરજ બજાવી રહેલા એફ.એમ.કુરેશીની લાંચ કેસમાં ધરપકડ કરી હતી. જો કે, રિમાન્ડ માટે કોર્ટમાં લઇ જવામાં આવ્યા તે પહેલાં તેઓ એસીબીની ઓફિસમાં ખુરશી પર બેસી ગયા હતા. એસીબીના ઉચ્ચ અધિકારી આવી જતા તેમને જમીન પર બેસાવા જણાવાયું હતું, પરંતુ તેમણે નીચે બેસવાનો ઇન્કાર કર્યો હતો.

બે દિવસ અગાઉ એસીબીએ પંચમહાલ જિલ્લાના શહેરાના મહિલા ટીડીઓ ઝરિના અન્સારીને 4.45 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા ત્યારે ઝરિનાએ એસીબીના અધિકરીઓ સામે પાવર દેખાડવાની કોશિશ કરી હતી. તેમણે એસીબીના સવાલોના સીધા જવાબ આપ્યા ન હતા.

તેમણે પોતાની વગ દેખાડવા માટે અધિકારીઓને કહ્યું હતું કે, “મને એક ફોન કરવા દો.” પરંતુ કાયદેસર ધરપક્ડ કરાયા બાદ કોઈપણ આરોપીને ફોન વાપરવાની મંજૂરી આપવામાં આવતી નથી. છતાં તેમણે જિદ પકડી હતી કે તેઓને માત્ર એક ફોન કરવા દેવામાં આવે, પણ એસીબીએ તેમની વાત માની ન હતી.

આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનના ઢોર અંકુશ વિભાગમાં ફરજ બજાવી રહેલા વિવાદાસ્પદ પીઆઇ એફ. એમ. કુરેશીએ પણ ધરપકડ બાદ એસીબીના કર્મચારીઓ પર રોફ જમાવવનો પ્રયત્ન કર્યો હતો. 10 હજારની લાંચ લેતા ઝડપાયેલા પીઆઇ કુરેશીને એસીબીની કચેરીએ લાવવામાં આવ્યા ત્યારે તેઓ એસીબીના કર્મચારીઓ પર તાડુક્યા હતા. તેમને રિમાન્ડ માટે કોર્ટમાં લઇ જવામાં આવ્યા તે પહેલાં તેઓ એસીબીની ઓફિસમાં ખુરશી પર બેસી ગયા હતા. એસીબીના ઉચ્ચ અધિકારી આવી જતા તેમને જમીન પર બેસાવા જણાવાયું હતું, પરંતુ તેમણે નીચે બેસવાનો ઇન્કાર કર્યો હતો.

(8:31 pm IST)