ગુજરાત
News of Monday, 15th August 2022

હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું

પાણીની આવકને કારણે ખેતી અને પીવાના પાણીની ઘાત ગુજરાતના માથેથી ટળી છેઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 194 તાલુકાઓમાં વરસાદ થયો છે

અમદાવાદઃ  ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે રાજ્યમાં નર્મદા ડેમ સહિતના જળાશયોમાં હાલમં 74.62% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. પાણીની આવકને કારણે ખેતી અને પીવાના પાણીની ઘાત ગુજરાતના માથેથી ટળી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 194 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત મેઘરજ, મોડાસા, ઈડર, હિંમતનગર, માંગરોળમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યાં જ 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

(2:53 pm IST)