ઉમરેઠ તાલુકાના ખાનકૂવા નજીક પોલીસે ઓચિંતાનો છાપો મારી હારજીતનો જુગાર રમતા 6 શકુનિઓને રંગે હાથે ઝડપી પાડયા
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ખાનકુવા તાબે ગણેશપુરા વિસ્તારમાં ભાલેજ પોલીસે ઓચિંતો છાપો મારી પાના-પત્તાનો હારજીતનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સો પાસેથી રૂ.૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના ખાનકુવા તાબે. ગણેશપુરા વિસ્તારમાં નાની નહેર પાસે રહેતા ધુળાભાઈ મંગળભાઈ સોલંકીના ઘર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો એકત્ર થઈ પાના-પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી ભાલેજ પોલીસને મળી હતી. પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારી સ્થળ પરથી પાના-પત્તાનો હારજીતનો જુગાર રમતા ધુળાભાઈ મંગળભાઈ સોલંકી, સંજયભાઈ મફતભાઈ ઠાકોર, નિલેશભાઈ મનુભાઈ સોલંકી, સુરેશભાઈ રાવજીભાઈ ઠાકોર, રમેશભાઈ જીવાભાઈ ઠાકોર અનેે હરેશકુમાર ઉર્ફે રયો ધુળાભાઈ સોલંકીને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સોની અંગઝડતીમાંથી રૂા.૬૩૦૦ તથા દાવ પરથી રૂા.૮૬૦ મળી કુલ્લે રૂા.૭,૧૬૦ કબજે લઈ ઝડપાયેલ શખ્સો વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.