ગુજરાત
News of Monday, 15th August 2022

ગાંધીનગર નજીક આવેલ કોલવડામાં ખેતરમાં જુગાર રમતી વેળાએ થયેલ તકરારમાં આધેડની છરીના ઘા જીકી હત્યા કરવામાં આવતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડાની આયુર્વેદિક કોલેજ પાસે ખેતરમાં જુગાર રમતા સમયે તકરાર થતા કોલવડા ગામના આધેડની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા પેથાપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૃ કરી હતી. મૃતકના શરીરના પેટના ભાગે ગોળી મારવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખો આદરી છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જુગારની મોસમ ખીલી છે ત્યારે શહેર નજીક આવેલા કોલવડા ગામમાં આયુર્વેદિક કોલેજ પાસે ખેતરમાં કોલવડા ગામમાં રહેતા ૪૫ વર્ષીય દિલીપસિંહ ભવાનસિંહ વાઘેલા મિત્રો સાથે જુગાર રમવા માટે બેઠા હતા તે સમયે તકરાર થતા છરીના ઘા ઝીંકીને તેમની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે મૃતકના ભાઈને જાણ થતા તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદ આ અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ.એમ.એસ રાણા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. દિલીપસિંહના શરીરે છરીના ૮ થી ૧૦ જેટલા ઘા જોવા મળ્યા હતા. તો પેટના ભાગે પિસ્તોલ કે રિવોલ્વરથી ગોળી મારવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે દિલીપસિંહના મૃતદેહ અને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને હત્યાના ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૃ કરી છે. જુગાર રમતા સમયે તકરારમાં જ હત્યા કરવામાં આવી છે કે હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે મામલે પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાની પણ તજવીજ હાથ ધરી હતી.

 

(1:15 pm IST)