ગુજરાત
News of Thursday, 15th July 2021

ગુજરાતમાં કોરોના મહામારીમાં નિરાધાર થયેલા બાળકોના શિક્ષણ માટે જે. એમ. ફાઈનાન્શિયલ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક ફી પેટે સહાય કરાશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક સહાય માટે રાજ્ય સરકાર અને જે. એમ. ફાઈનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ સંપન્ન

ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન માતા-પિતા બંને અથવા માતા કે પિતા પૈકી કોઈપણ એક ગુમાવનાર ૧૮ વર્ષ સુધીના બાળકોને અભ્યાસ માટે જે. એમ. ફાઈનાન્શિયલ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક ફી પેટે આર્થિક સહાય કરવાના હેતુથી આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુંબઈના જે. એમ. ફાઈનાન્શિયલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને CSR હેડની વચ્ચે “લેટર ઓફ ઈન્ટેન્ટ” ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોના પાલન-પોષણની ચિંતા રાજ્ય સરકારે કરીને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” લોન્ચ કરી છે. કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનાર તમામ બાળકોને આ યોજના હેઠળ માસિક રૂા. ૪,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ યોજના જાહેર કર્યાના માત્ર ૩૮ દિવસમાં જ રાજ્ય સરકારે સર્વે કરીને તા. ૭ જુલાઈના રોજ ૭૭૬ બાળકોના ખાતામાં DBT દ્વારા રૂા. ૩૧ લાખથી વધુ રકમ જમા કરાવી છે. અત્યારે આ પ્રકારના બાળકોની અંદાજે સંખ્યા ૮૮૧ જેટલી થાય છે તે તમામને સરકારે સામે ચાલીને સહાય કરી છે. સરકાર સાચા અર્થમાં નિરાધાર બાળકોનો આધાર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું.
  તેમણે ઉમેર્યું હતું કે, જે. એમ. ફાઈનાન્શિયલ ફાઉન્ડેશનના આ શૈક્ષણિક સેવા કાર્ય થકી ૧૮ વર્ષ સુધી બાળકોને શિક્ષણ ફી શાળાને સીધી ચૂકવવામાં આવશે જેથી આવા બાળકો કોઈપણ ચિંતા વિના વધુ અભ્યાસ કરી શકશે.
  મુખ્યમંત્રીએ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા જે. એમ. ફાઈનાન્શિયલ ફાઉન્ડેશનના નિમેષ કંપાની અને શ્રી વિશાલ કંપાની સાથે વાત કરીને તેમના બાળકો માટેના સેવા કાર્યને બિરદાવીને ગુજરાત સરકાર તરફથી જરૂરી તમામ સહકાર આપવાની તત્પરતા દર્શાવી હતી.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કોરોના મહામારીમાં નિરાધાર થયેલા બાળકો માટે ગુજરાત સરકારે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”ની રૂપરેખા અંગે અને તેમાં થયેલી કામગીરીથી માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ નિરાધાર બાળકો સાથે યોજાયેલા “મોકળા મને સંવાદ”ની પણ માહિતી આપી હતી.
આ ઉપરાંત તેમણે ગુજરાતમાં ખાનગી અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તે અંગે જે. એમ. ફાઈનાન્શિયલ ફાઉન્ડેશનના હોદ્દદારો સાથે ચર્ચાને કરીને તેની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ સચિવ જી. પી. પટેલ, સમાજ સુરક્ષા નિયામક જી. એન. નાચીયા તેમજ મુંબઈના જે. એમ. ફાઈનાન્શિયલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને CSR હેડ શ્રી પૂજા દવે ઉપસ્થિત રહ્યા હતા.

(6:14 pm IST)