ગુજરાત
News of Thursday, 15th July 2021

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ અલગ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા:જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ અલગ અલગ સ્થળો પર અકસ્માત સર્જાયા હતા. મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. વળી નડિયાદ-કપડવંજ રોડ ઉપર આવેલ વિણા ગામની સીમમાં અને નડિયાદ તાલુકાના પીપલગ રોડ પર અકસ્માતના બનાવ બન્યા હતા. ત્રણેય અકસ્માતોના બનાવોમાં એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ છે જ્યારે એક વ્યક્તિને શરીરે ઇજાઓ પહોચી હતી.

મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામ નજીક મંગળવારની મોડી રાતે અકસ્માત થયો હતો. જેમાં એક અજાણ્યા  રાહદારી ચાલીને જઇ રહ્યો હતો તેને કોઇ અજાણ્યા મોટર સાયકના ચાલકે અડફેટ મારી હતી.જેનો અવાજ આવતા નજીકમાં રહેલ નૌશાદ કુરેશી બનાવ સ્થળ તરફ દોડયા હતા.તેમજ આસપાસના કેટલાક લોકો પણ એકઠા થઇ ગયા હતા.તે સમયે કોઇ વ્યક્તિએ ૧૦૮ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી ગઇ હતી.ઘવાયેલ પુરુષને ચેક કરતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે નૌશાદ કુરેશીએ મહેમદાવાદ પોલીસ મથકે એક અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ-કપડવંજ રોડ ઉપર આવેલ વિણા ગામની સીમમાં અકસ્માત થયો હતો.જેમાં ઉત્તરપ્રદેશ રાજયના આગ્રા ફતેપુરા સીક્રીથી ટ્રકમાં મકાઇ ભરી ગુજરાત રાજયના આણંદ ખાતે આવેલ અમૂલ ડેરીમાં ખાલી કરવા માટે નિકળ્યા હતા.તા.૧૨ જૂલાઇના રોજ ટ્રકના ડ્રાઇવરે વિણા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યો હતો તે સમયે સામેથી આવતી એક નાની ગાડીને બચાવવા જતા ટ્રક નજીકની ગટરમાં ઉતરી જતા નુકસાન પહોચ્યુ હતુ.જો કે બનાવમાં કોઇ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.બનાવ અંગે ગુલામનબી નઇમખાન આઝાદે નડિયાદ રૂરલ પોલીસ મથકે ટ્રકના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ-પીપલગ રોડ ઉપર આવેલ વસંત વિહારના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં નડિયાદ સુષ્મા રો-હાઉસમાં રહેતા જયંતિભાઇ તળપદા બેંકમાં કામ અર્થે ગયા હતા. કામ પૂર્ણ કરી પોતાની સાયકલ લઇને પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે એક મોટર સાયકલના ચાલકે તેની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જયંતિભાઇને અડફેટ મારી હતી.જેથી તેઓને શરીરે ઇજાઓ પહોચી હતી. બનાવ અંગે જયંતિભાઇ મગનભાઇ તળપદાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે મહેમદાવાદ,નડિયાદ રૂરલ અને નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:12 pm IST)