ગુજરાત
News of Thursday, 15th February 2018

સીજી રોડ અને આશ્રમરોડ પર પહેલી માર્ચથી સીલિંગ ઝુંબેશ

પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સ વિરૂધ્ધ ઝુંબેશ જારી : આગામી તબક્કામાં સીજી રોડ-આશ્રમરોડના ડિફોલ્ટર્સ સકંજામાં આવે તેવી વકી : અમ્યુકોને ટેક્સથી જંગી આવક

અમદાવાદ,તા. ૧૫ : શહેરમાં કોમર્શીયલ પ્રોપર્ટીઓનો બાકી નીકળતો પ્રોપર્ટી ટેક્સ નહી ભરતા ડિફોલ્ટર્સ વિરૂધ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગે આકરી કાર્યવાહી શરૂ કરી છે અને તેના ભાગરૂપે જ તા.૩૦મી જાન્યુઆરીથી આવા કસૂરવાર ડિફોલ્ટર્સની મિલ્કતોને સીલ મારવાની સીલીંગ ઝુંબેશ હાથ ધરાઇ છે. અત્યારસુધીમાં અમ્યુકો તંત્રના અધિકારીઓએ આવી ૧૮૪૨ મિલ્કતોને સીલ માર્યા છે અને પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.૬૦૪ કરોડની આવક તિજોરીમાં જમા લીધી છે. હવે આગામી તબક્કામાં શહેરના સી.જી રોડ અને આશ્રમરોડ પરની મિલ્કતોને તા.૧લી માર્ચથી સીલીંગ મારવાની ઝુંબેશ હાથ ધરાય તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે. હજુ સુધી સીજી રોડ અને આશ્રમરોડ સીલીંગ ઝુંબેશથી બાકાત રહ્યા હતા, તેથી અમ્યુકો તંત્રના અધિકારીઓ આગામી તબક્કમાં ત્યાંના કસૂરવાર ડિફોલ્ટર્સ પર તવાઇ બોલાવે તેવી પૂરી શકયતા છે. શહેરના વિવિધ ઝોનમાં બાકી નીકળતા પ્રોપર્ટી ટેક્સની રકમ જમા નહી કરાવનારા ડિફોલ્ટર્સ વિરૂધ્ધ અમ્યુકોના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા સીલીંગ ઝુંબેશ અને ટેક્સની વસૂલાતની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં તા.૩૦મી જાન્યુઆરીથી તા.૧૦ ફેબ્રુઆરી સુધી હાથ ધરાયેલી આ કામગીરીમાં શહેરના મધ્ય ઝોનમાં ૧૬૫, ઉત્તર ઝોનમાં ૩૮૩, દક્ષિણ ઝોનમાં ૪૨૭, પૂર્વ ઝોનમાં ૩૩૫, પશ્ચિમ ઝોનમાં ૧૪૦ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૮૯ મિલ્કતોને સીલ મારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમ્યુકો તંત્ર દ્વારા આ જે સીલીંગ ઝુંબેશ અને ટેકસ વસૂલાતની કામગીરી હાથ ધરાઇ તેમાં હજુ સુધી રહેણાંક મિલકતોનો સમાવેશ કરાયો નથી. જો કે, તેમછતાં કોમર્શીયલ મિલ્કતો વિરૂધ્ધ હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમ્યાન અમ્યુકો તંત્રને રૂ.૬૦૪ કરોડની ટેક્સની વસૂલાત કરવામાં સફળતા મળી હતી. બીજીબાજુ, શહેરનો સીજી રોડ અને આશ્રમરોડ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના વિસ્તારમાં સમાવિષ્ટ હોવાથી અને આ ઝોનમાં ચાલુ વર્ષે ચતુર્વર્ષીય આકારણી હાથ ધરાઇ હોવાથી નારણપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા સહિતના વોર્ડોમાં હજુ પ્રોપર્ટી ટેકસના બિલો વિતરણ થઇ રહ્યા છે અને તેના લીધે સીજી રોડ અને આશ્રમરોડ આ સીલીંગ ઝુંબેશથી હજુ સુધી બાકાત રહ્યા હતા પરંતુ હવે અમ્યુકો તંત્ર દ્વારા આ બંને માર્ગો પર આવેલી ડિફોલ્ટર્સ કોમર્શીયલ મિલ્કતો વિરૂધ્ધ તા.૧લી માર્ચથી સીલીંગ ઝુંબેશ હાથ ધરાય તેવી શકયતા સેવાઇ રહી છે.

(8:24 pm IST)