ગુજરાત
News of Wednesday, 14th February 2018

અમદાવાદમાં નર્સ તરીકે નોકરી કરતી મેઘરજના વલુણાની યુવતીને દસ દિવસ ગોંધી રાખીને સતત બળાત્કાર ગુજાર્યો

અમદાવાદથી મેઘરજ આવી ત્યારે પાદરમહુડી ગામનો વનરાજ ધમકાવી બાઈક ઉપર ઉઠાવી ગયો :મિત્રના ઘેર,બીજા દિવસે મોડાસા અને પોતાના ઘરે લઇ જઈ

મેઘરજ ;અમદાવાદમાં નર્સ તરીકે નોકરી કરતી મેઘરજ તાલુકાના વલુણા ગામની યુવતીને દસ દિવસ ગોંધી રાખીને મેઘરજ તાલુકા ના જ પાદરમહુડી ગામના યુવાને મેઘરજથી અપહરણ કરી દસ દિવસ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજારતાં આ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ યુવતી અમદાવાદથી ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ અમદાવાદ થી મેઘરજ આવી હતી તે સમયે આ ઘટના બની હતી.

    દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ મેઘરજ પોલીસમાં તાલુકાના પાદરમહુડી ગામના વનરાજ જયંતીભાઈ પંડવાળા સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ પીડિતા અમદાવાદ ખાતે એક પ્રાઈવેટ દવાખાનામાં નર્સ તરીકે નોકરી કરે છે અને ગત તા.૩૦-૦૧-૧૮ના રોજ તેણી અમદાવાદથી પોતાના ગામ વલુણા જવા બપોરે બે વાગે મેઘરજ આવી હતી. તે અરસામાં મેઘરજ તાલુકાના પાંદરમહુડી ગામનો વનરાજ જયંતીભાઈ પંડવાળા આ યુવતી પાસે નંબર વગરની પલ્સર બાઈક લઈને આવેલો અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીનો હાથ પકડી મોટરસાયકલ પાછળ બેસાડી ટીંટોઈ તરફ લઈ ગયો હતો. ટીંટોઈ નજીક ડુંગર ઉપર યુવતીને લાપોટ ઝાપોટ કરી એક કલાક રોકાઈને પાદરમહુડી ગામે આવેલ હતો. પાદરમહુડી ગામે તે યુવતીને તેના મિત્રના ઘેર લઈ ગયો હતો અને રાત્રે ત્યાં રોકાઈ યુવતી ઉપર દુષ્કર્મ કર્યું હતું.

   બીજા દિવસે સવારે નવ વાગે વનરાજ યુવતીને મોડાસા લઈ ગયેલો અને મોડાસા ક્રિશ્ના રેસીડન્સીના ફલેટ નં-૧૦૬માં રહેતા તેના મિત્રના ઘેર લઈ ગયો હતો અને યુવતીને તા.૦૭-૦ર-ર૦૧૮ સુધી ફલેટમાં ગોંધી રાખી હતી અને ફલેટમાં પણ યુવતી ઉપર રેપ કર્યો હતો.

  મોડાસાથી તા.૮ ફેબ્રુઆરીના રોજ વનરાજ યુવતી પાદરમહુડી ગામે ઘેર લઈ ગયો અને રાત્રે ત્યાં રોકી દુષ્કર્મ આચર્યું હતું.

  દરમિયાન તા.૯-ર-૧૮ના રોજ વનરાજ પોતાનો મોબાઈલ ઘેર મુકી રેલ્લાવાડા ગામે ગયો હતો.તે દરમ્યાન બપોરના એક વાગ્યાના સુમારે યુવતીના હાથમાં મોબાઈલ આવતાં યુવતીએ પોતાના ભાઈને ફોન કરી સઘળી હકીકત જણાવી તેણીને ઘેર લઈ જવા જણાવતાં યુવતીના પિતા તથા સબંધીઓ પાદરમહુડી ગામે ગયા હતા અને યુવતીને ઘેર લઈ આવ્યા હતા. યુવતીએ પોતાની આપવીતી ઘરનાઓને જણાવતાં ઘરનાઓ યુવતીને લઈને મેઘરજ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી. મેઘરજ પોલીસે યુવતીની ફરિયાદના આધારે મેઘરજ તાલુકાના પાદરમહુડી ગામના યુવક વનરાજ જયંતીભાઈ પંડવાળા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(9:15 pm IST)