ગુજરાત
News of Wednesday, 14th February 2018

શનિવારથી મુંદરા - અમદાવાદ અને જામનગર - અમદાવાદ વચ્ચે વિજયભાઇના હસ્તે હવાઇ સેવાનો પ્રારંભ

ભુજ તા.૧૪ : મુંદરા-અમદાવાદ વચ્ચે આખરે આગામી શનિવાર ૧૭મી ફેબ્રુઆરીથી ફલાઇટ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ભુવનેશ્વરની કંપની એર ઓડિશા દ્વારા ૧૭મીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મુંદરા-અમદાવાદ અને જામનગર-અમદાવાદ વચ્ચે હવાઇ સેવાનો પ્રારંભ કરાશે.

કેન્દ્ર સરકારની ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન) યોજના અંતર્ગત કંડલા અને મુંબઇ અને મુંદરા-અમદાવાદ વચ્ચે હવાઇ સેવા શરૂ કરવાનું આયોજન થયુ હતુ. જો કે એર ઓડિશા પાસે પ્રાદેશિક સ્તરની હવાઇ સેવા શરૂ કરવા માટે ડિરેકટર જનરલ ઓફ એવિએશનમાંથી મેળવવાનુ રહેતુ શિડયુલ્ડ કોમ્પ્યુટર ઓપરેટર (એસીઓ) તરીકેનું લાયસન્સના હોઇ આ સેવા શરૂ થઇ શકી ન હતી.

ડીજીસીએ દ્વારા ગઇકાલ ૧૩મી તારીખે એસસીઓ તરીકે પરમીટ મળી ગઇ છે અને ૧૭મીથી ગુજરાતના બંને રૂટ પર હવાઇ સેવાનો શુભારંભ કરાશે તેમ એર ઓડિશાના ઓપરેશન હેડ સતિષ પાનીએ જણાવ્યુ છે. રપમીથી અમદાવાદ-દિવ વચ્ચે ફલાઇટ શરૂ કરાશે. જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થાય તેવી શકયતા છે. ૧૯ બેઠકોવાળા બીચક્રાફટ-બી-૧૯૦૦-ડી પ્લેનથી આ સેવાનો પ્રારંભ કરાશે.

ઉલ્લેખનીય છે કે, એર ઓડિશાએ પ્રાદેશિક હવાઇ સેવા માટે એર ડેક્કન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી છે અને તેને ઉડાન પ્રોજેકટ હેઠળ દિલ્હી, અમદાવાદ, ભુવનેશ્વર, ચેન્નાઇ વગેરે શહેરોને સાકળતા પ૦ રૂટ પર સેવા શરૂ કરવા મંજુરી મળેલી છે.

(4:23 pm IST)