ગુજરાત
News of Wednesday, 14th February 2018

શિકારમાં જતા આદિમાનવ વાળ આંખ આડા ન આવી જાય તે માટે વેલાના રેસાની પાઘડી બાંધતોઃ વડોદરા શિવરાત્રી મેળામાં પાઘડીનું અનોખું પ્રદર્શન

વડોદરાઃ મહાશિવરાત્રી પર્વની ભવ્‍ય ઉજવણી અંતર્ગત નવલખી ગ્રાઉન્‍ડ ખાતે શિવરાત્રી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં પાઘડી-સાફાના પ્રદર્શને આકર્ષણ જમાવ્યું હતું.

 

આ મેળામાં દેશના 18 રાજ્યોમાંથી હસ્તકળાના સેંકડો કલાકારોએ મેળામાં ભાગ લીધો છે અને હસ્તકળાની મબલખ ચીજ વસ્તુઓ અહી મળી રહી છે બધા વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે 'પાઘ-પાઘડી-સાફા'નું પ્રદર્શન. એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના નાટય વિભાગના પૂર્વ પ્રાધ્યાપક અવંતિલાલ ચાવલાએ દેશભરમાં ફરીને અને વિસ્તૃત સંશોધન કરીને એકઠી કરેલી પાઘડીઓ, પાઘ અને સાફાને અહી પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.

અવંતિલાલ ચાવલાએ કહ્યુ કે 'પાઘ-પાઘડી-સાફાની પરંપરા, સંસ્કૃતિ અને કળા લુપ્ત થઇ ગઇ છે. હવે માત્ર લગ્ન પ્રસંગોમાં તે જોવા મળે છે. પાઘડીનો ઇતિહાસ અતી પ્રાચીન છે.

આદિ માનવ કપડા પહેરતા થયો તે પહેલા તે પાઘડી બાંધતા થઇ ગયો હતો. શિકાર દરમિયાન માથા પરના વાળ આંખ આડે આવી જતા હતા એટલે સમસ્યાને દૂર કરવા માટે આદિ માનવે વેલાઓના રેસામાં પાંદડાઓને ગુંથીને કપાળ પર બાંધવાનું શરૂ કર્યુ જે પાઘડીનું મૂળ સ્વરૂપ કહી શકાય. સમયાંતરે તેમાં પક્ષીઓના રંગબેરંગી પિંછાઓ ફુલ વગેરે ઉમેરાવા લાગ્યા અને પછી તે પદ અને પ્રતિષ્ઠા દર્શાવાનું સાધન પણ બની ગયુ એટલે તેમાંથી મુકુટનો પણ જન્મ થયો અને પાઘડીનો પણ જન્મ થયો.

'વેદોમાં પણ 'પુષ્પ સ્ત્રણ' નામનો ઉલ્લેખ છે. માથા પર ફુલોની માળા બાંધવામાં આવતી હતી તેને 'પુષ્પ સ્ત્રણ' કહે છે. અથર્વેદમાં સિર આભૂષણ (માથા પર પહેરવામાં આવતુ આભૂષણ) માટે 'ઓપશ શદૂ' શબ્દ મળે છે તેનો મતલબ થાય છે કપડાની પટ્ટી બનાવીને તેને માથા પર બાંધવી. ૩૦૦૦ વર્ષ જુની સિંધૂ સંસ્કૃતિની એક માનવ મૂર્તિમાં પણ માથા પર કાપડની પટ્ટી બાંધેલી છે' ઉલ્લેખનિય છે કે શિવરાત્રી મેળો રોજ સવારે ૧૦ થી રાતના ૧૦ દરમિયાન તા.૧૮ ફેબુ્રઆરી સુધી ચાલશે જેમાં પાઘડી પ્રદર્શન ઉપરાંત ચલણી સિક્કાઓનું પ્રદર્શન પણ જોવા લાયક છે.

તેઓઅે વિવિધ પાઘડીઓ અંગે જણાવ્યું કે, પાઘ - કોઇ પણ એક રંગના રેશમી કપડાની લંબાઇ ૧૪ થી ૨૦ મીટર હોય છે. જેમાં હીરા, સોના-ચાંદીના તાર પણ જડેલા હોય છે. પાઘડી - પાઘથી સાઇઝમાં નાની હોય છે. આશરે ૧૩ થી ૧૫ મીટર કપડાની હોય છે. પાઘડીમાં પણ કપડાનો એક છેડો સોનેરી હોય છે. સાફો - સાફો પણ પાઘથી સાઇઝમાં નાનો હોય છે જેમાં કપડાનો એક છેડો એવી રીતે રાખવામાં આવે છે કે માથાથી કમર સુધી પીઠ પર લટકતો રહે. ખેંચા- પાઘડીની સાઇઝનો હોય છે જેમાં એક છેડા પર સોનેરી જરીના ગુચ્છાઓથી સઝાવામાં આવે છે. ફેંટા - સોના ચાંદીના આભુષણો અને તારથી કલાત્મક રીતે સજાવેલ હોય છે. પોતિયુ - સામાન્ય માણસ કપડાના પટ્ટાને પોતાના માથા પર વિંટાળીને બાંધે તેને પોતિયુ કહે છે.

(6:01 pm IST)