ગુજરાત
News of Saturday, 14th August 2021

અમદાવાદના કણભામાં સાવકી માતાએ પુત્રની હત્યા: લાશ કોથળામાં પેક કરી અવાવરું જગ્યાએ ફેંકી દીધી

પિતાના મોટ બાદ દીકરાના નામે રૂપિયા ઉઘરાવ્યા : પુત્રને ખબર પડતા મહારાષ્ટ્ર્ના મિત્રની મદદથી પુત્રનું કાસળ કાઢ્યું

અમદાવાદ જીલ્લાના કણભામાં બાળકોને મોટા કરવા પિતાએ બીજા લગ્ન કર્યા, પણ સાવકી માતાએ જેવું પતિનું મોત થયું દીકરાના નામે રુપિયા ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું. આ વાત દીકરાને ખબર પડતાં માતાએ તેના મિત્રને મહારાષ્ટ્રથી બોલાવીને દીકરાની હત્યા કરવી દીધી હતી. લાશને સળગાવીને કોથળામાં ભરી ફેંકી દીધી હતી. આ પ્રકરણમાં કણભા પોલીસે પુત્રની હત્યાના ગુનામાં માતાની ધરપકડ કરી છે. આ અગાઉ આ મહિલાએ જ પોતાના સગા દીકરાની પણ હત્યા કરી હોવાની વિગત પોલીસ તપાસમાં આવી હોવાનું બહાર આવ્યુ છે.

કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જો કે પોલીસ એ તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેરામા આવી હતી. જેથી પોલીસએ તેની માતાની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, માતાએ જ અન્ય ત્રણ શખ્શો સાથે મળીને હાર્દિકની હત્યા કરી દીધી હતી અને મૃતદેહ પણ સગેવગે કરી નાખ્યો હતો. જેમા ગઇ કાલે ગામ નજીકથી એક કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે.

ગૌરીબેને નાસીકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધી હતી. આરોપી મહિલાની પુછપરછ દરમ્યાન સામે આવ્યું કે, હાર્દિકના પિતાએ હાર્દિક સચવાય તે માટે બીજા લગ્ન કર્યા હતા. પિતા રજનીભાઇ પટેલ તેમના બે સંતાનોને સાચવવા માટે સાત વર્ષ પહેલા નાસીકમાં રહેતી આ ગૌરીબેન સાથે ફુલહાર કરીને લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ ગૌરીબેન રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતા હતા.

દરમિયાનમાં થોડાક સમય પહેલા રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયુ હતું અને ત્યારબાદ માતા અને બે પુત્ર સાથે રહેતા હતા. જોકે મહિલાએ સંબધીઓ પાસેથી 25 થી 30 લાખ રૂપિયા ઉઘરાવ્યાં અને અમુક માગણી કરી હતી. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે તેમ કહીને સંબધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. હાર્કિદને આ વાતની જાણ થતા તેને ગૌરીબેનને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહી ઉઘરાવવાનું કહ્યુ હતું. પૈસા મામલે બોલતા હાર્દિકનું પત્તુ કટ કરવા માટે નાસીક ફોન કર્યો ને હાર્દિકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

નાસીકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. નાસીકથી ત્રણ શખ્સો કણભા આવ્યા હતા જ્યા તેમને હાર્કિદને બપોરે ગળેટુંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેની પગને દોરાથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યા હતા.

દિવસે હાર્દિકની હત્યા કરીને આરોપી માતા ગૌરીબેન તેની લાશને અવાવરૂ જગ્યા પર ફેંકી દેવા માટે હત્યારાઓએ રાત થવાની રાહ જોઇ હતી. હત્યા બાદ અંદાજીત ચાર કલાક સુધી સાવકી માતા અને હત્યારા હાર્દિકની લાશ સાથે બેઠા હતા. બાદમાં એક ઓળખીતા રિક્ષા ચાલક ને બોલાવ્યો હતો અને રિક્ષા માં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યા એ લઈ જઈ ને આરોપી ઓ ત્યાંથી ભાગી ગયા હતા.

હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે જોકે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી મહિલાએ થોડા વર્ષો પહેલા તેના સગા પુત્રની પણ હત્યા કરી હતી. જે બાબતે નાસિક પોલીસે તેને પકડીને જેલમાં મોકલી દીધી હતી.

(10:52 pm IST)