ગુજરાત
News of Saturday, 14th August 2021

દુબઈ એક્સપોમાં આવનારી વૈશ્વિક કંપનીઓને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરાશે:સ્ટોલ પણ ઊભો કરી શકે

ગુજરાતનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી રૂપાણી દુબઈ એક્સપોની મુલાકાત લઈ શકે

અમદાવાદ :  રાજ્યમાં ઉદ્યોગોની ગાડી ફરી પાટે ચડાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી સમયમાં યોજવા માટેની તૈયારીઓ કરવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. એ ઉપરાંત આગામી ઓક્ટોબર મહિનામાં દુબઈ એક્સપો યોજાવાનો છે, જેમાં રાજ્યના ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી પણ મુલાકાત લે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 હવે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી રૂપાણી ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાનારા દુબઈ એક્સપોની મુલાકાત લઈ શકે છે અને દુબઈ એક્સપોમાં ગુજરાતનો એક સ્ટોલ પણ ઊભો થઈ શકે છે. એક્સપોમાં એકત્ર થયેલા વૈશ્વિક ઉદ્યોગપતિઓ તથા સાહસિકોને મળીને વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં સામેલ થાય અને 2022માં જ ગુજરાત સરકાર હવે નેશનલ ડિફેન્સ એક્સપોનું યજમાનપદ સંભાળવાની છે, તેથી પણ ગુજરાતમાં સંરક્ષણ ઉત્પાદનો સાથે જોડાયેલા ઉદ્યોગો આવે એ નિશ્ચિત કરશે

 છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ઉદ્યોગ, ખાણ, ખનીજ, ટ્રાન્સપોર્ટ તથા પ્રવાસન વિભાગ દ્વારા મુખ્યમંત્રીના દુબઈ પ્રવાસ અંગેનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. જે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ માટેનું પ્રથમ પગલું હશે. રૂપાણીનો પાંચ વર્ષમાં આ ત્રીજો વિદેશપ્રવાસ હશે. અગાઉ તેઓ ઉઝ્બેકિસ્તાન તથા ઈઝરાયેલ ગયા હતા.

(11:48 am IST)