ગુજરાત
News of Sunday, 14th January 2018

આંધ્ર બેન્‍કના ડીરેકટરની સાંડેસરા લોન કૌભાંડમાં ધરપકડ

વડોદરા,: આંધ્ર બેંકના પૂર્વ ડિરેકટર અનુપ ગર્ગની આજે ઇડીએ નવી દિલ્હી ખાતે ધરપકડ કરીને સાંડેસરા જૂથની છેતરપિંડી કેસમાં કાર્યવાહી આગળ ધપાવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓને એવી આશંકા છેકે, આંધ્ર બેંકના પૂર્વ ડિરેકટર અનુપ પ્રકાશ ગર્ગને ચેતન જયંતિલાલ સાંડેસરા અને નીતિન જયંતિલાલ સાંડેસરા સહિત સ્ટર્લિંગ જૂથે રૂ.૧.૫૨ કરોડ ઉપરાંતની રકમ આપી હતી. ઇડીના અધિકારીઓ આ દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહ્યા છે. આ કેસમાં દિલ્હીના બિઝનેશમેન ગગન ધવનની ધરપકડ બાદ આ બીજી મહત્વની ધરપકડ છે.

સ્ટર્લિંગ જૂથની લોનની ફાઇલ ઝડપથી અને કોઇ જ જાતની રૂકાવટ વિના બેંકોમાંથી મંજૂરી માટે મોકલવા માટે પણ વિવિધ જાતની ગેરરીતિઓ કરવામાં આવી હતી. સ્ટર્લિંગ જૂથમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હેમંત હાથીની પણ ખોટા દસ્તાવેજો , નફાના ઉંચા આંકડા દર્શાવતા સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા હોવાનું પણ ઇડી માને છે.

આંધ્ર બેંકના વડપણ હેઠળના કોન્સોર્ટોરિયમની બેંકોને ર્સ્ટિંગલ જૂથે ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં રૂ.૫૩૮૩ કરોડ ચૂકવવાના બાકી પડે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ હવે સ્ટર્લિંગ જૂથને અપાયેલી જંગી લોનની રકમ કોલકાતાની કેટલીક શેલ કંપનીઓના માર્ગે હવાલા દ્વારા દુબાઇ મોકલવામાં આવી હોવાના મુદ્દે તપાસ કરી રહ્યા છે.પ્રીવેન્ટીવ ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કંપની અને તેમાં સંડોવાયેલાઓ સામે કેસ નોંધાયો હતો.

(12:32 pm IST)