ગુજરાત
News of Monday, 13th September 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં છાપરું બાંધી વિદેશી દારૂનો વેપલો કરતા ત્રણ આરોપીને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

વડોદરા, : ગોરવા  ચંદ્રલોક સોસાયટીની સામે આવેલા ખુલ્લા મેદાનમાં છાપરૃ બાંધીને વિદેશી દારૃનો ધંધો કરતા ત્રણ આરોપીને પોલીસે ઝડપી લઇ  દારૃ અને બિયર મળીને ૭૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,ગોરવા ગામ અનગઢ ફળિયામાં રહેતા બે ભાઇઓ ભાવેશ મનહરભાઇ પટેલ અને અલ્પેશ વિદેશી દારૃનો ધંધો કરે છે.દારૃનો જથ્થો કોઇ જગ્યાએ સંતાડીને તેઓ ચંદ્રલોક સોસાયટીની સામે આવેલા ખુલ્લા મેદાનમાં છાપરૃ બાંધીને તેમાં  જરૃરિયાત મુજબનો જથ્થો લાવીને  વેચાણ કરે છે.હાલમાં અલ્પેશ તથા અભિમન્યુ શ્રીવાસ્તવ,મહેન્દ્ર ઉર્ફે ભોળો અમરસિંહ સોલંકી છાપરા પાસે બેસીને દારૃનું વેચાણ કરે છે. પી.સી.બી.પી.આઇ.જે.જે.પટેલની સૂચના મુજબ,સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને (૧)અલ્પેશ પટેલ (રહે.ગોરવા ગામ ,અનગઢ ફળિયુ,હાલ રહે.પાલીતીર્થ કોમ્પલેક્સ,સુભાનપુરા ) (૨) અભિમન્યુ અર્જુનભાઇ શ્રીવાસ્તવ (રહે.ગોરવા પોલીસ સ્ટેશનની બાજુમાં) તથા (૩) મહેન્દ્ર અમરસિંહ સોલંકી (રહે.સોલંકી ફળિયુ,ગોરવા ગામ)ને ઝડપી પાડયા હતા.જ્યારે દારૃ મુકવા માટે મકાન આપનાર ઉદેસિંહ ચંદુભાઇ ગોહિલ તથા મુખ્ય સૂત્રધાર ભાવેશને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે દારૃ અને બિયર મળીને કુલ ૧૬૨ નંગ બોટલ,એક સ્કૂટર,ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૃપિયા ૮,૮૫૦ મળીને કુલ રૃપિયા૭૫,૯૨૫ નો મુદ્દામાલ કબજે લીધો છે.

(5:57 pm IST)