આણંદ શહેર પોલીસે કારમાં લવાતો 86 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક શખ્સની ધરપકડ કરી
આણંદ: શહેર પોલીસે આજે ઓમ પીટીસી કોલેજની પાછળ આવેલા રાધાકૃષ્ણ ઉપવન સોસાયટીની પાસેના છાપરા નજીક છાપો મારીને એક કારમાં લવાયેલા ૮૬૧૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડીને કુલ ૧.૯૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર પીએસઆઈ આઈ. એન. ઘાસુરા અને તેમની ટીમને માહિતી મળી હતી કે, રાધાકૃષ્ણ ઉપવન સોસાયટીની બાજુમાં આવેલા છાપરામાં રહેતા સમસુભાઈ ભાંભોરના ઘરે એક કાર મારફતે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વેચવામાં આવી રહ્યો છે.
જેના આધારે પોલીસે છાપો મારતા સમસુભાઈ ભાંભોર ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂના ૭૧૭ ટેટ્રાપેક અને ૯૬ ક્વાર્ટરીયા મળી આવ્યા હતા. જેની કિંમત ૮૬૧૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે એક મોબાઈલ ફોન અને કાર સાથે કુલ ૧,૯૧,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા સમસુભાઈ ભાંભોરની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ચેપા નામના બુટલેગરે મંગાવ્યો હતો અને તેના વતી વેચવાનો ધંધો કરતો હોવાની કબુલાત કરી હતી. આ કબુલાતના આધારે પોલીસે ચેપા નામના શખ્સની તલાશ હાથ ધરી છે.