ગુજરાત
News of Tuesday, 13th July 2021

સુરત: અમરોલી-છાપરાભાઠા રોડ વિસ્તારમાં 8 વર્ષીય બાળકી ભેદી સંજોગોમાં ગૂમ થઇ જતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

સુરત: શહેરના અમરોલી-છાપરાભાઠા રોડ વિસ્તારમાં અઠવાડિયા અગાઉ વતન જામ્બુઆથી આવેલી 8 વર્ષની બાળા ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે ફોઇના ઘરે આવનાર બાળાને ગમતું નહીં હોવાથી ત્રણેક દિવસ અગાઉ પણ ઘર છોડીને ચાલી ગઇ હોવાથી બાળા ગત રોજ પણ જાતે જ કયાંક ગઇ હોવાની આશંકા સેવાય રહી છે.
મધ્યપ્રદેશના જામ્બુઆ ખાતે રહેતા ખેતમજૂર પરિવારની 8 વર્ષની માસુમ બાળા અઠવાડીયા અગાઉ અમરોલી-છાપરાભાઠા રોડ પર રહેતા ફોઇના ઘરે રહેવા આવી હતી. ગત રોજ બાળા રમતા-રમતા ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ફોઇ અને તેના પરિવારના સભ્યોએ બાળાની શોધખોળ કરવા છતા નહીં મળતા અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળા ગુમ થવાની બાબતને પી.આઇ આર.પી. સોલંકીએ ગંભીરતાથી લઇ પોલીસની પાંચ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી. જે અંતર્ગત સીસીટીવી ફુટેજ ચેક કરતા બાળા એકલી જ અમરોલી થઇ વરિયાવ ટી-પોઇન્ટ અને ત્યાંથી સાયણ ચેક પોસ્ટ અને છેલ્લે બીઆરટીએસ બસ સ્ટેન્ડના સીસીટીવીમાં નજરે પડી હતી. જેથી પોલીસે બાળા બસમાં બેસી કયાંક ગઇ હોવાની શકયતાના આધારે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ અંગે પીઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે અઠવાડિયા અગાઉ જામ્બુઆથી સુરત આવનાર બાળાને ફોઇના ઘરે ગમતું ન હતું. જેથી ત્રણેક દિવસ અગાઉ પણ ઘર છોડીને ચાલી ગઇ હતી. પરંતુ ત્રણેક કલાકની શોધખોળ બાદ ફોઇના પરિવારને હેમખેમ મળી આવી હતી. જેથી બાળા જાતે જ કયાંક ગઇ હોવાની આશંકા સેવાય રહી છે.

(6:24 pm IST)