ગુજરાત
News of Monday, 13th June 2022

વેકેશનમાં હરવા-ફરવા ગયેલા અથવા કોરોના લક્ષણ હોય તો વિદ્યાર્થીઑ હાલ શાળાએ નહિ મોકલવા તંત્રની અપીલ

અમદાવાદમાં વાલીઓમાં પણ પોતાનાં બાળકોને હાલ શાળાએ મોકલવાં કે ન મોકલવાં તેને લઈ ખચકાટ

 

રાજ્યની શાળાઓમાં ૯ મેથી ૧ર જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. હાલ તમામ શાળાઓમાં એડ‌િમશનની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અમદાવાદમાં ગઈ કાલે કોરોનાના નવા ૭૯ કેસ નોંધાયા હતા. હળવો પડેલો કોરોના શાળાઓ ખૂલવાના સમયે જ વકરી રહ્યો છે, જેથી વાલીઓમાં પણ પોતાનાં બાળકોને હાલ શાળાએ મોકલવાં કે ન મોકલવાં તેને લઈ ખચકાટ જોવા મળી રહ્યો છે.

શાળાઓ ખૂલતાં પૂર્વે જ છેલ્લા એક સપ્તાહથી પુસ્તકો, નોટબુક, સ્કૂલબેગ, યુનિફોર્મ, બૂટ-મોજાં, વોટરબેગ, લંચબોક્સ સહિતની વસ્તુઓની ખરીદીમાં વાલીઓ લાગી ગયા હતા. સ્ટેશનરી અને યુનિફોર્મની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જોકે હજુ ઘણાં પુસ્તકો માર્કેટમાં પૂરતા પ્રમાણમાં માળતાં ન હોવાથી વાલીઓને પુસ્તકો મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. આજથી નવા સત્રના પ્રારંભ સાથે પાંચ વર્ષ પૂર્ણ કરનાર ભૂલકાંઓને ધોરણ-૧માં પ્રવેશની કામગીરી હાથ ધરાશે. કોરોનાની સ્થિતિના કારણે સતત બીજા વર્ષે ધોરણ-૧થી ૮ના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું તેમજ ધોરણ-૯ થી ૧રની પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આજથી જ શાળામાં ઓફલાઇન વર્ગો ચાલુ થઇ ગયા છે

 

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી શરદી-ખાંસી અને તાવવાળા વિદ્યાર્થીઓને સ્કૂલે ન મોકલવા માટે વાલીઓને સૂચના આપી દેવામાં આવી છે. વેકેશનમાં હરવા-ફરવા ગયેલા વિદ્યાર્થીઓને સંક્રમણ થઈ શકે તેમ હોઈ આવાં લક્ષણ ધરાવતાં વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં મોકલવા તંત્ર અપીલ કરી રહ્યું છે, સાથે-સાથે સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઇ તૈયારી શરૂ કરાઈ છે. સ્કૂલ ખૂલતાંની સાથે જ વાલીઓનું બજેટ પણ વધી ગયું છે.

ધોરણ-૧થી ૧રમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ર૦રર-ર૩ માટેના નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે. ૩પ દિવસના ઉનાળુ વેકેશન બાદ જ્યારે કોરોનાના કેસ ફરી ધીમી ગતિએ વધી રહ્યા છે ત્યારે શહેરમાં ૧રથી ૧૭ વર્ષના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કોરોનાની રસીનો પ્રથમ કે બીજો ડોઝ લેવાનો બાકી છે

 

અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધતા જતા કોરોનાના કેસ વચ્ચે આજથી શાળાઓ કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે ધમધમી ઊઠી છે. આજે શાળાઓ ખૂલતાં જ ૩પ દિવસના ઉનાળુ વેકેશનનો અંત આવ્યો છે અને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ શાંત પડેલું જનજીવન પણ ધબકતું થયું છે. ફરી એક વાર શાળાનાં પરિસર વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગૂંજી ઊઠ્યાં છે શાળાઓનાં પ્રાંગણમાં સ્કૂલવાન મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. બે વર્ષ બાદ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ શાળામાં આવી પહોંચતા શાળાઓએ પણ તેમને આવકારવા માટે અવનવા પ્લાન બનાવ્યા હતા. ક્યાંક કુમકુમ તિલક તો ક્યાંક બાળકોનાં પ્રિય કાર્ટૂન કેરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. 

શહેરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ શૈક્ષણિક સામગ્રીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. વિવિધ શાળાઓમાં અપાયેલી યાદી મુજબ વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાત મુજબનાં પાઠ્યપુસ્તક તેમજ નોટબુકની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેને લઈ વિવિધ સ્ટેશનરીની દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે, જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્કૂલબેગ, કંપાસ, પેન-પેન્સિલ, નોટો, ચોપડીઓ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીના ભાવમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. વાલીઓની ફરિયાદ છે કે હરીફાઈના યુગમાં શિક્ષણનો વ્યાપ વધવાની સાથે-સાથે દિન-પ્રતિદિન શિક્ષણ મોંઘું બની રહ્યું છે.

(12:14 am IST)