ગુજરાત
News of Saturday, 13th January 2018

રખિયાલમાંથી ૯ ટન ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો

ઘરમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર પોલીસે દરોડો પાડી કુલ ૧૮ પશુઓને જીવતા બચાવ્યા

રખિયાલ, તા.૧૩ : રખિયાલ ખુદાદાદ મસ્જિદની પાછળ પ્રભાવતીની ચાલીમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર સ્થાનિક પોલીસે દરોડો પાડીને પાડા અને બળદ મળી કુલ ૧૮ પશુઓને જીવતા બચાવી લીધા છે. જયારે પોલીસને ગૌવંશના માંસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન બે આરોપીઓ નાસી છુટ્યાં હતા. રખિયાલમાંથી મળી આવેલા ગૌવંશના માંસના જથ્થાને પગલે જીવદયાપ્રેમીઓ અને માલધારી સમાજમાં રોષની લાગણી ભભૂકી ઊઠી હતી.

રખિયાલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રખિયાલની ખુદાદાદ મસ્જિદ પાછળ પ્રભાવતીની ચાલીમાં ગફુરખાન સમીરખાન પઠાણ તથા તેનો ભાઈ કરીમખાન સમીરખાન પઠાણ તેમના ઘરે તથા ભાડાના એક મકાનમાં ગૌવંશને લાવીને તેમની કતલ કરી મટનનાં વેપારીઓને વેચી રહ્યાં છે.

પોલીસે આ બાતમી આધારે સવારે સાત વાગ્યે દરોડો પાડી તપાસ કરતા બન્ને ભાઈઓ ફરાર થઈ ગયા હતા. જો કે, પોલીસને સ્થળ પરથી ક્રૂરતા પૂર્વક બાંધી રખાયેલા ૧૬ પાડા અને ૨ બળદ મળી આવ્યાં હતા. પોલીસને સ્થળ પરથી ગૌવંશની કતલ કરી જમા કરાયેલો ૯ હજાર કિલો માંસનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે બન્ને ભાઈઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે શંકા વ્યકત કરી છે કે, કતલ કરાયેલા અને જીવતા બચાવેલા ગૌવંશને આરોપીઓ કયાંથી ચોરી કરી લાવ્યાં હોવાની અથવા તો પશુઓની ચોરી કરતી ગેંગ પાસેથી લાવ્યાં હોવાની શકયતા છે. આરોપીઓના પકડાયા બાદ આ કતલખાનું કેટલા સમયથી ચાલતું હતું તે અંગે જાણી શકાશે તેમ પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું. (૨૪.૮)

 

(4:05 pm IST)