જીપમાં ગુપ્ત ખાનું બનાવી 72 હજારના વિદેશી દારૂના જથ્થાને પોલીસે રંગે હાથે ઝડપ્યો
આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે બપોરના સુમારે કાસોર-અજરપુરા રોડ ઉપર વોચ ગોઠવીને એક માર્શલ જીપમાં ગુપ્ત ખાનું બનાવીને લઈ જવાતા ૭૨ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ અંગે ભાલેજ પોલીસ મથકે ગુનો દાખલ કરીને સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બપોરના સુમારે પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, અજરપુરા ચોકડી પાસે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેથી પોલીસે ગુપ્ત રીતે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક માર્શલ જીપ નંબર જીજે-૭, આર-૬૦૪૯ની આવી ચઢતાં પોલીસે તેને શંકાને આધારે અટકાવીને તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની ૧૯૧ બોટલો કે જેની કિંમત ૭૨૯૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ગામડીના સાહિલ ઉર્ફે સન્નીને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતાં રાજુ ખ્રિસ્તી સહિત અન્ય ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી પોલીસે તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.