ગુજરાત
News of Thursday, 12th August 2021

સુરતમાંથી એક કરોડથી વધુનો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો : 6.90 કરોડથી વધુનો મુદામાલ જપ્ત :7 આરોપીઓની ધરપકડ

ડીજીપી આશિષ ભાટીયાના આદેશ બાદ દરેક જિલ્લા/શહેર દ્વારા સ્થાનિક કક્ષાએ અલગ અલગ ટીમો બનાવીને ઠેર ઠેર દરોડા : 10મી ઓગસ્ટ સુધીમાં કુલ 311 ગુના દાખલ કરીને કુલ 455 આરોપીઓની ધરપકડ

સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારના કરંજ જીઆઇડીસી, મોલવણ પાટીયા પાસે આવેલી એક ફેકટરી તથા ભાટકોલ ગામની સીમ, માંડવી-કીમ રોડ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર વેચાણ અર્થે રાખેલા 1,07,17,500ની કિંમતના 1,42,900 લીટર બાયોડીઝલનો જથ્થાં સહિત કુલ 6,90,75,624નો મુદ્દામાલ જપ્ત કરીને સાત જણાંની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાજયમાં ગેરકાયદેસર ચાલતાં બાયોડીઝલના વેચાણની આ સૌથી મોટી સફળ રેઇડ કરવામાં આવી છે.

રાજયમાં અનેક સ્થળોએ બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું સરકારના ધ્યાન પર આવ્યું હતું. જેથી સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે પોલીસ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર અને પુરવઠા ખાતાના અધિકારીઓ તથા રાજય વેરા વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા આ પ્રકારના ગેરકાયદેસરના ધંધા ચલાવતા એકમો ઉપર દરોડા પાડવાની ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.

હાલમાં રાજયમાં અમૂક સ્થળોએ આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલી રહેલ હોવાનું રાજય પોલીસ વડા આશીષ ભાટીયાના ધ્યાન પર આવ્યું હતું. જેથી ડીજીપીના આદેશ અનુસાર રાજયના તમામ જિલ્લા/શહેરના પોલીસ વડાઓને આ અંગેનો એક ખાસ એકશન પ્લાન પ્રમાણે બાયોડીઝલના અનઅધિકૃત ઉત્પાદન કે વેચાણ કરતાં એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાયોડીઝલના નામે હલકી ગુણવત્તાના પેટ્રોલિયમ પદાર્થોનું મિશ્રણ કરીને વેચવામાં આવતું હોવા અંગે તેમજ બાયોડીઝલ તરીકે વેચાતાં આ પદાર્થો ઉદ્યોગો માટેના વપરાશના નામે આયાત થતાં હોવાથી આ બાબત પણ તપાસવા ગુજરાતના પોલીસ વડાએ આદેશ આપ્યો હતો.

ડીજીપીના આદેશ અનુસાર દરેક જિલ્લા/શહેર દ્વારા સ્થાનિક કક્ષાએ અલગ અલગ ટીમો બનાવીને બાયોડીઝલ વેચતા પંપ કે અન્ય સ્થળોએ દરોડા પાડીને આ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. જે આજે પણ ચાલુ છે. રાજયમાં બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણ અંગે રાજય પોલીસ દ્વારા જુલાઇ-2020થી 10મી ઓગસ્ટ સુધીમાં કુલ 311 ગુનાઓ દાખલ કરીને કુલ 455 આરોપીઓની ધરપકડ કરી છે. આમ ડીજીપી દ્વારા આવા ગુનાઓના મૂળ સુધી પહોંચીને જે પદાર્થો બાયોડીઝલના નામે વેચવામાં આવે છે તે ખરેખર શું છે અને તેનો મોટી માત્રામાં જથ્થો કયાંથી આવે છે તે અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવા ઉપર ભાર મૂકવામાં આવેલ છે. તેમ જ રાજયમાં અનઅધિકુત બાયોડીઝલ વેચાણના રેકેટનો પર્દાફાશ કરી આવી પ્રવુત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા કાર્યવાહી હજુ ચાલુ છે.

(12:16 am IST)