ગુજરાત
News of Thursday, 12th August 2021

અમદાવાદમાં કોરોના મહામારીના કારણે આ વર્ષે મહોર્રના તાજીયાના ઝુલુસ નહીં નીકળેઃ પોલીસ અને તાજીયા કમિટીની સત્તાવાર જાહેરાત

ધાર્મિક વિધી કોરોના ગાઇડલાઇનના પાલન સાથે કરાશેઃ જ્‍યાં તાજીયાની સ્‍થાપના થઇ હશે ત્‍યાં જ ઠંડા કરાશે

અમદાવાદ: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અમદાવાદમાં મહોરમમાં તાજીયાના જુલુસ નહિ નીકળે. અમદાવાદ પોલીસ તથા તાજિયા કમિટી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ આગેવાનોએ નાયબ પોલીસ કમિશ્નર સાથે ચર્ચા વિચારણા કરી હતી. જેના બાદ આ નિર્ણય લેવાયો છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ કરી માહિતી આપી છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તાજિયાના જુલુસ કાઢવા કે નહિ તે અંગે અમદાવાદ પોલીસ અને તાજિયા કમિટી વચ્ચે મીટિંગ મળી હતી. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે તાજિયાના જુલુસ ન કાઢવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે આ વર્ષે તાજિયાના જુલુસ અને કતલની રાતે એક જ જગ્યાએ રહીને ઉજવણી કરી શકાશે. તાજિયાના જુલુસ નહિ નીકળે. તાજિયા સિવાયની ધાર્મિક વિધિ ગાઈડલાઈનના પાલન સાથે કરવા દેવાશે. જે જગ્યાએ તાજિયાની સ્થાપના થઈ છે ત્યાં જ તેને ઠંડા કરવા કહેવાયું છે.

તો બીજી તરફ શ્રાવણ માસની શરૂઆત થતા જ હિન્દુઓના તહેવારો શરૂ થઈ જાય છે. હાલ દશામાંના વ્રત ચાલી રહ્યા છે ત્યારે દશામાંની સ્થાપના કરાયા બાદ મૂર્તિ વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જો નાગરિકો નિયમોનું પાલન નહિ કરે તો એપેડેમિક એક્ટ અંતર્ગત તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમ જ સંભવિત ત્રીજી લહેરને ટાળવા પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે.

(4:54 pm IST)