ગુજરાત
News of Monday, 12th July 2021

માત્ર ભાષણો અને વાતોથી નહીં,કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો ભરૂચનો નર્મદામૈયા બ્રિજ એનું જીવંત ઉદાહરણ: નીતિનભાઈ પટેલ

નર્મદા નદી પર રૂ. 430 કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય ‘નર્મદામૈયા પુલ’ તેમજ એલિવેટેડ કોરીડોર’નું લોકાર્પણ : કોરોનાકાળમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગે 20 હજાર કરોડના વિકાસકામો કર્યા

ગાંધીનગર: ‘માત્ર ભાષણો અને વાતોથી નહીં, પણ કામ કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે, ભરૂચનો નર્મદામૈયા બ્રિજ એનું જીવંત ઉદાહરણ છે’ એમ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ-અંકલેશ્વર રોડ અને નર્મદા નદી પર રૂ. 430 કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય ‘નર્મદામૈયા પુલ’ તેમજ એલિવેટેડ કોરીડોર’ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીના હસ્તે અષાઢી બીજના પવિત્ર દિને ભરૂચ અને અંકલેશ્વરના નાગરિકો સહિત લાખો વાહનચાલકોને ‘નર્મદામૈયા પુલ’ના રૂપે નવલું નજરાણું મળ્યું છે, સાથોસાથ ભરૂચ-અંકલેશ્વર-ઓ.એન.જી.સી રસ્તા પર રૂ. 14.50 કરોડના ખર્ચે બનનાર ત્રણ માર્ગીય બોક્ષ ક્લવર્ટના કામની તકતીના અનાવરણ સહિત જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. 222 કરોડના ખર્ચે ગ્રામ્ય માર્ગો અને રાજ્ય માર્ગોના કામોનું પણ તેમણે ખાતમુહુર્ત કરી ભરૂચ શહેર અને જિલ્લાના પ્રજાજનોને માતબર વિકાસકાર્યોની ભેટ ધરી હતી.

ભરૂચના કે.જે.પોલિટેકનીક કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગે 20 હજાર કરોડના વિકાસકામો કર્યા છે. 2010ના દાયકાની શરૂઆતમાં કેન્દ્ર સરકારને ભરૂચમાં નર્મદા નદી અને નેશનલ હાઈવે પર નવો બ્રિજ બનાવવાની અવારનવાર સતત રજૂઆત કરી એમ જણાવી એ અરસાને યાદ કરતા પટેલે કહ્યું કે ભરૂચ, અંકલેશ્વરના હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો, ફોટાઓ સમાચારપત્રો-ટીવીમાં ચમકતા હતા. છતાં ભૂતકાળની સરકારના પેટનું પાણી હલતું ન હતું.

તત્કાલિન મુખ્યમંત્રી  મોદીએ તે સમયની કેન્દ્ર સરકારના ભરોસે બેસી ન રહેતા, સ્વનિર્ભર બની બ્રિજ બનાવવાનું બીડું ઉઠાવ્યું હતું, ગોલ્ડન બ્રિજની સમાંતરે જ નવો બ્રિજ બનાવવાનું વિચારબીજ રોપાયું અને આજે આ મહત્વાકાંક્ષી બ્રિજ સાકાર થયો છે. આ બ્રિજ બનવાના કારણે સુરતથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર જતા લાખો વાહનચાલકો, અંકલેશ્વરથી ભરૂચ અપડાઉન કરતાં લોકો માટે આશિર્વાદરૂપ બનશે એમ ગર્વથી જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ ભરૂચને થતા અન્યાયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભરૂચ શહેર અને નર્મદા નદી એકબીજાના પર્યાય ગણાય છે, નર્મદા તીરે હોવાં છતાં ભરૂચ ભૂતકાળમાં પાણી વિના તરસ્યું રહેતું, દરિયાનું ખારું પાણી ભરૂચના નસીબમાં આવતું. અનેક પાણી પુરવઠા યોજનાના લાભ મળતા હવે આવા વિકટ દિવસો હવે ભૂતકાળ થયા છે. ભાડભૂત બેરેજ યોજનામાં માછીમારોને દરિયામાંથી બેરેજના મીઠા પાણીના સરોવરમાં જવા માટે અલાયદી ચેનલ ઊભી કરી છે. જેથી મત્સ્ય ઉદ્યોગને પણ પરેશાની રહેશે નહીં. કેન્દ્ર અને રાજ્ય સરકારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાળવેલી મેડિકલ કોલેજ કાર્યરત થઈ ગઈ હોવાનું અને ભરૂચ શહેર જિલ્લાના લોકો સુધી વિકાસના ફળો પહોંચે એ આ સરકારની નેમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, જંબુસરથી દહેજ સુધીના માર્ગને 60 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવશે. ભરૂચના ગામડાઓના રસ્તાઓ પણ રૂ.222 કરોડના માતબર ખર્ચથી નિર્માણ તેમજ નવીનીકરણ પામશે. અને રૂ. 4350 કરોડના ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી પાણીની વિપુલ ઉપલબ્ધિ સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનશે એમ જણાવી આ પ્રકારના અનેક વિકાસકામોથી રાજ્ય સરકારે પ્રજાની સુખસુવિધામાં વધારો કર્યો હોવાનું ઉમેર્યું હતું.

(12:16 am IST)