ગુજરાત
News of Monday, 12th July 2021

વડોદરાના વડસર વિસ્‍તારમાં રાત્રીના દુકાન કેમ ખુલ્લી રાખી છે ? તેમ કહીને પોલીસના 2 જવાનો વેપારી ઉપર તૂટી પડયાઃ વીડિયો વાયરલ થયા બાદ એસપીને તપાસ સોંપાઇઃ બંનેને સસ્‍પેન્‍ડ કરવાની ખાત્રી

વડોદરા: વડોદરા શહેરમાં પોલીસ જવાનોની લુખ્ખાગીરીના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. તેવામાં વધુ એક કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના વડસર વિસ્તારમાં એક પાનની દુકાનના વેપારીને બે પોલીસ જવાનો દ્વારા પછાડી પછાડીને ઢોર માર મારવાના કિસ્સાએ ફરી એક વાર ખાખી પર સવાલો ઉભા કર્યા છે.

શહેરના વડસર વિસ્તારમાં એક પાનની દુકાન રાત્રી કરર્ફ્યું બાદ પણ ખુલ્લી રહેતી હોવાની માહિતી ના આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં દુકાન પર ધસી આવ્યા હતા. રાત્રી કરર્ફ્યું દરમિયાન દુકાન કેમ ખુલ્લી રાખી છે તેવો સવાલ કરીને વેપારી કાઈ સમજે વિચારે એ પેહલા તેના પર તૂટી પડ્યા હતા અને લોકોની રક્ષા કરવા જાણીતી ખાખી ખોફનાક ખાખીમાં પ્રવર્તી હતી.

માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોર તેમજ હરીશ ચૌહાણના માથે ખાખીનો નશોએ હદે સવાર હતો કે વેપારી બે હાથ જોડી તેમની માફી માંગતો રહ્યો છતાં આ બંને પોલીસ જવાનો લાચાર વેપારીને પછાડી પછાડીને મારતા રહ્યા. જેના કારણે વેપારીને ઇજાઓ પણ પોહચી હતી. પોલીસે વેપારીને પહેલા તો ધડાધડ લાફા માર્યા પછી જમીન પર પછાડી લાતો મારી આ સમગ્ર ઘટનાના CCTV લોકોની રક્ષક કહેવાતી ખાખી ખોફનાક બની હોયની સાબિતી આપી રહ્યા છે.

લોકો પાસે કાયદાનું પાલન કરાવવું એ પોલીસ ની જવાબદારી છે જો વેપારી એ કાયદાનું ઉલ્લંઘન કર્યું તો માંજલપુર પોલીસ સ્ટેશન ના આ બે કોન્સ્ટેબલ ઠાકોરભાઇ તેમજ હરીશ ચૌહાણ એ વેપારી સામે ગુનો દાખલ કેમ ન કર્યો ?? તેમજ પોલીસ ને આ પ્રકારે સામાન્ય જનતા ને ઢોર માર મારવા નો અધિકાર કોણે આપ્યો એ સૌથી મોટો સવાલ છે.

મહત્વ નું છે કે સમગ્ર ઘટના ના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થતા DCP કરણરાજ વાઘેલા દ્વારા મીડિયા સમક્ષ પોલીસના આ પ્રકારના વર્તન ની નિંદા કરી ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. તેમજ સમગ્ર મામલાની તપાસ ACP કુપાવતને સોંપવામાં આવી છે.

પોલીસ-મીડિયા ગ્રુપમાં DCP કરણરાજ વાઘેલા દ્વારા જરૂર જણાય તો આ બંને પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરવા સુધીની ખાતરી આપવામાં આવી છે ત્યારે ખાખી ને ખોફનાક બનાવી લાંછન લગાવનાર કોન્સ્ટેબલ ઠાકોર તેમજ હરીશ ચૌહાણ વિરુદ્ધ તેમનું જ પોલીસ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

થોડા દિવસ અગાઉ સમાં પોલીસના જવાનો દ્વારા શાકભાજીના વેપારી પાસે 20 કિલો ડુંગરી મફત માંગવાના કિસ્સા(ડુંગરી કાંડ)ના કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા હતા. પોલીસે મફત ડુંગરી નહીં આપનાર ફેરિયા પર ગુનો દાખલ કરી તેને કાયદો ભણાવ્યો હતો. આ કિસ્સાની તપાસ ACP ભરત રાઠોડને સોપાતા તેમને તોડબાજ પોલીસ જવાન પર કડક કાર્યવાહી કરવાના બદલે તેની બચાવ સ્વરૂપે બદલી કરીને પોલીસ પોલીસ ભાઈભાઈ નો દાખલો આપ્યો હતો.

(4:56 pm IST)