ગુજરાત
News of Monday, 12th July 2021

સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે 43 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાણંદ, બાવળા અને દશક્રોઇમાં આંગણવાડી, સ્માર્ટ વર્ગખંડ, સીસી રોડ જેવા કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ  અમિતભાઈ  શાહના હસ્તે સાણંદ ખાતે આશરે 43 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરાયું હતું. તેઓએ મોદી સરકારે કોરોના કાળમાં કરેલા વિવિધ કામો અને રસીકરણની પણ વાત કરી હતી. દેશમાં અત્યાર સુધીમાં 36 કરોડ લોકોને રસી મુકાઈ ગઈ હોવાની વાત પણ કરી હતી સાથે વિકાસની ગતિને ક્યારેય ન રોકાવા દેવાની ખાતરી  સાણંદ ખાતે આપી હતી. આ પ્રસંગે ગુજરાત સહકાર મંત્રી, પ્રદેશ મહામંત્રી,સાણંદ બાવળા ધારાસભ્ય અમદાવાદ જીલ્લા પ્રમુખ ઉપપ્રમુખ ,સાણંદ નગરપાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ જીલ્લા તાલુકાના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.
  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જણાવ્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર અને ગુજરાત સરકારે કોરોના સમયગાળા દરમિયાન પણ વિકાસની ગતિ અટકવા ન દીધી. એજ દિશામાં આજે મેં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાણંદ, બાવળા અને દશક્રોઇમાં આંગણવાડી, સ્માર્ટ વર્ગખંડ, સીસી રોડ  જેવા લગભગ 43 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
તસવીર:- ચિરાગ પટેલ (સાણંદ)

(7:45 pm IST)