ગુજરાત
News of Friday, 12th January 2018

વ્યસ્ત કલાકોમાં સૌથી વધુ માર્ગ દુર્ઘટનામાં મોત : સર્વે

હાલમાં જ કરાયેલા સર્વેમાં ચોંકાવનારુ તારણઃ સવારે નવથી લઇ ૧૨ વાગે અને સાંજે નવ વાગ્યા બાદ લોકો આડેધડ વાહન ચલાવતા હોવાની વિગતો સપાટીએ

અમદાવાદ,તા. ૧૨, તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, વ્યસ્ત રહેતા કલાકોમાં જ માર્ગ અકસ્માતોમાં વધુ સંખ્યામાં મોત થઇ રહ્યા છે. આ અંગે અભ્યાસ કરવામાં આવ્યા બાદ આની વિગતો સપાટી ઉપર આવી છે. શહેરમાં ૨૩૧ ગંભીર અકસ્માતોને આવરી લઇને કરવામાં આવેલા વ્યાપક અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે, મોટાભાગે અકસ્માતોમાં મોત સવારે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા વચ્ચેના અકસ્માતોમાં થયા છે અને ત્યારબાદ રાત્રે નવ વાગ્યા બાદ વધુ અકસ્માતોમાં મોત થયા છે. જે દર્શાવે છે કે, અમદાવાદી લોકો ઓફિસ જતી વેળા અને ઓફિસથી ઘરે પરત ફરતી વેળા બિનજરૂરી ઉતાવળ કરે છે. વર્ષ ૨૦૧૬ માટે જેપી રિસર્ચ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ચાલતા જતા લોકો પણ અકસ્માતનો શિકાર થયા છે.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ૨૩૧ અકસ્માતો પૈકી ૧૫૬માં તપાસ હાથ ધરવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, ૧૨૯ મોતના કેસ બન્યા છે. વયના આધાર પર જોવામાં આવે તો આ ચિત્ર સ્પષ્ટ થઇ જાય છે. બીજી બાજુ માર્ગ અકસ્માતોને રોકવા માટે સાવચેતીના તમામ પગલા પણ લેવામાં આવી રહ્યા છે. શહેરના માર્ગો ઉપર ટ્રાફિકને લઇને થઇ રહેલી સમસ્યાને રોકવા માટે શહેર પોલીસ દ્વારા જાહેરનામુ જારી કરવામાં આવ્યું છે જેમાં પાર્કિંગને લઇને સૂચના આપવામાં આવી છે. વાણિજ્ય પ્રવૃત્તિઓ માટે સામાન્ય વિસ્તારોના ઉપયોગને લઇને પણ સૂચના અપાઈ છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, બેઝમેન્ટ અને અન્ય વિસ્તારોનો ઉપયોગ જુદી જુદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ટ્રાફિકની સસ્યાઓ સર્જાય છે.

 

(9:33 pm IST)