ગુજરાત
News of Tuesday, 10th September 2019

અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતાં પાણી પાણીની પરિસ્થિતિ

શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો : અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૩૩.૫૦ મીમીથી પણ વધારે વરસાદ વાસણા બેરેજના પાંચ ગેટ ચાર ફુટ સુધી ખોલાયા : ૪૦થી વધુ વૃક્ષો ધરાશાયી

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ શહેરમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. અમદાવાદ શહેરમાં પાંચ ઇંચકરતા પણ વધુ વરસાદ થતાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા અને ચારેબાજુ પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૩૩.૫૦ મીમી સુધીનો વરસાદ ખાબકી ગયો હતો. પૂર્વ ઝોનમાં ૧૦૧.૬૬ મીમી જેટલો વરસાદ થયો હતો. જ્યારે દક્ષિણ ઝોનમાં સૌથી વધારે ૧૧૮.૭૫ મીમી જેટલો વરસાદ થયો હતો. અમદાવાદ શહેરમાં મોસમનો કુલ વરસાદ વધીને હવે ૭૨૮.૯૪ મીમી સુધી પહોંચી ગયો છે. એટલે કે ૨૮.૭૦ ઇંચ જેટલો વરસાદ થઇ ચુક્યો છે. ભારે વરસાદના લીધે શહેરના જુદા જુદા વિસ્તારમાં ૪૦થી વધુ જગ્યાઓએ ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. કુલ ૩૨ ઝાડ દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. ૧૨ સ્થળોએ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. મણિનગર વિસ્તારમાં દક્ષિણી અન્ડરપાસને બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદની ચેતવણી હોવાથી નગરજનોને ભારે વરસાદ દરમિયાન કામગીરી સિવાય બહાર ન નિકળવા કહેવામાં આવ્યું છે. શહેરના કેટલાક વિસ્તારમાં ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબકી ગયો હતો. જેમાં સરખેજમાં સૌથી વધુ પાંચેક ઇંચ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને પૂર્વના જશોદાનગર, ઇસનપુર, ત્રિકમપુરા, હાથીજણ, નારોલ, વટવા, ઓઢવ, હાટકેશ્વર, રામોલ, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઇ ગયા હતા.

      તો, પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમાં પણ  ભારે પાણી ભરાઇ ગયા હતા. થલતેજ, બોપલ, બોડકદેવ, એસજી હાઇવે  સહિતના કેટલાક વિસ્તારોમાં તો, ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. જો કે, બાદમાં સમગ્ર દિવસ દરમ્યાન બપોરે અને મોડી સાંજે અને રાત્રે પણ શહેરમાં ધોધમાર અને ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહ્યા હતા, જેના કારણે શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો હતો. કાળાડિબાંગ ઘેરાયેલા વાદળો વચ્ચે શહેરમાં અંધારપટ છવાયેલો રહ્યો હતો અને વીજળીના કડાકા ને ભડાકા લોકોને જાણે ડરાવી મૂકતા હતા. શહેરના દાણીલીમડા પટેલના મેદાનમાં ઇલેક્ટ્રીક ડીપીમાં શોર્ટ સર્કિટનો બાવ નોંધાયો હતો. તો, સરસપુરમાં ભારે વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં જોરદાર કડાકા અને ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જો કે, સદ્ભાગ્યે કોઇ જાનહાનિ કે ઇજા નોંધાઇ ન હતી. આ સિવાય જજીસબંગલા રોડ વિસ્તારમાં એક વિશાલ વૃક્ષ ધરાશયી થઇ ગયુ હતુ. તો, અસારવા, નિકોલ, નારોલ, બાપુનગર સહિતના કેટલાય વિસ્તારોમાં આજે ભુવા અને ખાડાઓ પડવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. આજે સવારે બે-અઢી કલાકના તોફાની અને મૂશળધાર વરસાદે જ શહેર આખાને જાણે ધમરોળી નાંખ્યું હતું. સવારે ૯ વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને ૯.૩૦થી ૧૦.૩૦ સુધી ગાજવીજ અને ધડાકાઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સવારે માત્ર બે જ કલાકમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતાં પૂર્વના મણિનગર, સરસપુર, ગોમતીપુર, જશોદાનગર, ઇસનપુર, ત્રિકમપુરા પાટિયા, ગેરતપુર, ઓઢવ, વટવા, નારોલ, હાટકેશ્વર, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાઇ ગયા હતા. લોકોના ઘરો-દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

પૂર્વમાં જશોદાનગરથી એસપી રીંગ રોડ સુધીનો વિસ્તાર તો રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વટવા ફેઝ-૨ જવાના રસ્તા પર તો કેડ સુધી પાણી ભરાયા હતા અને ખાત્રજ ચોકડી તથા રીંગ રોડ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયો હતો. કેડસમા પાણીમાં નિકળવાનો પ્રયાસ કરતાં સંખ્યાબંધ વાહનો બંધ પડી જતાં લોકોની વધુ કફોડી સ્થિતિ બની હતી. તો, વટવા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી વચ્ચે કેમીકલયુકત પાણી પણ ભળી જતાં લોકોની હાલત બહુ કફોડી બની હતી. સ્થાનિક નાગરિકોએ અમ્યુકો તંત્ર અને જીપીસીબી સત્તાધીશો પરત્વે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. ઉપરાંત પશ્ચિમના સેટેલાઈટ, વસ્ત્રાપુર, ગુરૂકુળ, મેમનગર, હેલ્મેટ સર્કલ, મેમનગર ફાયર સ્ટેશન વિસ્તાર, સરદાર પટેલ ચોકડી, લખુડી તલાવડી, નવરંગપુરા, નારણપુરા, શીવરંજની, બોપલ, શીલજ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એસજી હાઈવે પર પણ સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક વાહનોમાં પાણી ભરાઈ જતાં ત્યાં જ અટવાઇ પડ્યા હતા. બીજીતરફ હજી આગામી ૨૪ કલાક સુધી અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાતાં લોકોમાં થોડી ચિંતા વધી છે.

ઝોનવાઈઝ વરસાદ....

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ શહેરમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. અમદાવાદ શહેરમાં પાંચ ઇંચકરતા પણ વધુ વરસાદ થતાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા અને ચારેબાજુ પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી. 

ઝોન

વરસાદ (મીમીમાં)

પૂર્વ

૧૦૧.૬૬

પશ્ચિમ

૮૩.૨૮

ઉત્તર-પશ્ચિમ

૭૮

દક્ષિણ-પશ્ચિમ

૧૩૩.૫૦

મધ્ય

૮૯.૨૫

ઉત્તર

૭૫.૬૬

દક્ષિણ

૧૧૮.૭૫

અમદાવાદ વરસાદ.....

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ શહેરમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. અમદાવાદના જુદા જુદા ઝોનમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે નીચે મુજબ છે.

પૂર્વ ઝોન

સ્થળ

વરસાદ (મીમીમાં)

ચકુડિયા

૯૮.૫૦

ઓઢવ

૯૪

વિરાટનગર

૮૯.૫૦

પશ્ચિમ ઝોન

 

ટાગોર કન્ટ્રોલ

૯૬

ઉસ્માનપુરા

૭૨.૫૦

ચાંદખેડા

૭૩

રાણીપ

૫૯

ઉત્તર-પશ્ચિમ ઝોન

 

બોડકદેવ

૭૫

ગોતા

૬૪

દક્ષિણ-પશ્ચિમ ઝોન

સરખેજ

૧૧૮.૫૦

મધ્ય ઝોન

મ્યુનિસિપલ કોર્પોરેશન

૮૫.૫૦

દુધેશ્વર

૭૫.૫૦

ઉત્તર ઝોન

 

મેમ્કો

૬૮

નરોડા

૬૧.૫૦

કોતરપુર

૫૫

દક્ષિણ ઝોન

મણિનગર

૧૦૦

વટવા

૧૦૯

સિઝન ઝોનવાઈઝ......

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ શહેરમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદમાં સિઝન ઝોનવાઈઝ વરસાદ નીચે મુજબ છે.

           ઝોન             વરસાદ સિઝન (મીમીમાં)

પૂર્વ

૭૪૫.૨૫

પશ્ચિમ

૬૫૦.૮૪

ઉત્તર-પશ્ચિમ

૭૨૩

દક્ષિણ-પશ્ચિમ

૯૫૨

મધ્ય

૬૪૬

ઉત્તર

૬૩૨.૬૫

દક્ષિણ

૭૬૪.૨૫

અમદાવાદ સરેરાશ

૭૩૦.૫૨

(9:04 pm IST)