પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સેલના પ્રદેશ સદસ્યોની યાદી જાહેર અમદાવાદ શહેર ભાજપ દ્વારા પણ વોર્ડ દીઠ પ્રભારીઓ નિમાયા
2022માં યોજાનારી ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ: સંગઠનમાં ખાલી રહેલા હોદ્દેદારોની જગ્યાઓ ભરવાથી માંડીને વિવિધ સેલની રચના
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આગામી 2022માં યોજાનારી ચૂંટણીને લઇને ભાજપ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે જ વિવિધ કાર્યક્રમો યોજવાથી માંડીને સંગઠનમાં ખાલી રહેલા હોદ્દેદારોની જગ્યાઓ ભરવાથી માંડીને વિવિધ સેલની રચના કરવા લાગ્યા છે. આજે પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સેલના પ્રદેશ સદસ્યોની યાદી જાહેર કરી હતી. તે જ રીતે અમદાવાદ શહેર ભાજપ દ્વારા પણ વોર્ડ દીઠ પ્રભારીઓની યાદી જાહેર કરી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આજે પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલના સંયોજકના નામો જાહેર કર્યા હતા. તેમાં મનોજ કાંબલિયા ( સુરત ), મહેન્દ્ર પટેલ ( મહેસાણા ) તથા પ્રકાશ વરમોરા ( સુરેન્દ્રનગર )નો સમાવેશ થાય છે. તે જ રીતે પ્રદેશ શિક્ષક સેલના પ્રદેશ સદસ્યોના નામોની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદમાં કૌશલ અરવિંદભાઇ દેસાઇ તથા અમદાવાદ જિલ્લામાં ધનજી પટેલ સહિત 21 જણાંની નિમણૂંક કરી છે. જયારે પ્રદેશ રમતગમત સેલમાં પણ 21 પ્રદેશ સભ્યોના નામની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મહત્તમ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રદેશ સફાઇ કામદાર સેલના પ્રદેશ સદસ્યોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અમીતભાઇ પી. શાહે પ્રદેશ પદાધિકારીઓ અને મહાનગરના પ્રભારીઓ સાથે ચર્ચા વિચારણાં કર્યા બાદ આજે અમદાવાદ શહેરના 48 વોર્ડના વોર્ડ પ્રભારીઓની નિમણૂંક કરી હતી. આ તમામ વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડની જવાબદારી સોંપી દીધી છે.