ગુજરાત
News of Friday, 10th September 2021

અમદાવાદના જુહાપુરા વિસ્‍તારમાં ક્રાઇમ બ્રાન્‍ચને દરોડોઃ 3 પિસ્‍ટલ અને 23 જીવતા કારતુસ સાથે એક ઝડપાયોઃ અંગત અદાવત માટે હથિયારો રાખ્‍યાનું ખુલ્‍યુ

આરોપી મોહંમદ સાજીદ ઉર્ફે લાલા શેખની ધરપકડ કરીને પૂછપરછ

અમદાવાદ: ફરી એક વખત ગેંગ વોરના ડરથી લોકો હથિયાર રાખતા થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જુહાપુરા વિસ્તારમાંથી 3 પિસ્ટલ અને 23 જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અંગત અદાવતમાં હથિયાર રાખ્યા હોવાનુ સામે આવ્યું છે. આરોપીનું નામ મોહંમદ સાજીદ ઉર્ફે લાલો શેખ છે. આરોપી જુહાપુરા વિસ્તારમાં આવેલ ફરહિન પ્લાઝા ફ્લેટમાં રહે છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા આરોપી સાજીદ ના ઘરે રેડ કરતાં આરોપી પાસેથી ૩ નંગ પિસ્તલ અને 23 નંગ કાર્ટિઝ મળીને કુલ ૬૦ હજાર થી વધુ કિંમત નો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે આરોપીની હથિયાર અંગે પૂછપરછ કરતા જુહાપુરામાં રહેતો કુખ્યાત આરોપી અઝહર કીટલી સાથે અદાવત ચાલતી હતી. અને તેના જ ડર ના કારણે ઉત્તર પ્રદેશના ખેરપુર ગામના બબલુ નામના ઈસમ પાસેથી આ પિસ્તલ અને કર્ટિઝ લાવ્યો હતો.

આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી અગાઉ હત્યા, હથિયાર અને પોતાની પત્નીના સ્યુસાઇડ કેસમાં પકડાયેલો છે. અને ભુજ જેલમાં પાસા હેઠળની સજા કાપી ચૂક્યો છે. જોકે આરોપી પાસેથી હથિયાર મળતા તે હથિયાર સ્વબચાવ માટે લાવ્યો હતો કે હત્યાનું કાવતરૂ રચાઈ રહ્યુ હતુ. તે અંગે ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી મોહંમદ સાજીદ ઉર્ફે લાલો નો ગુનાઈત ઇતિહાસ જોતા ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે આરોપીએ આ હથિયાર કોઈ ગુનાને અંજામ આપવા મંગાવ્યા હોઈ શકે છે ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે.

(6:31 pm IST)