ગુજરાત
News of Wednesday, 10th August 2022

નડિયાદમાં પેટ્રોલ પંપની ઓફિસનું લોક તોડી તસ્કરો 1.94 હજારની મતા ચોરી છૂમંતર...:સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

નડિયાદ : નડિયાદમાં સરદાર સ્ટેચ્યુ પાસે આવેલા એક પેટ્રોલ પંપની ઓફિસનું લોક તોડી તસ્કરો કબાટના ખાનામાં મુકેલા રૂપિયા ૧.૯૪ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે શહેર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદમાં આદર્શ નગર સોસાયટી ખાતે ચિરાગ શ્રીકાંતભાઈ પટેલ રહે છે. તેઓનો સરદાર સ્ટેચ્યુ પાસે ચિરાગ એન્ટરપ્રાઇઝ પેટ્રોલ પંપ આવેલો છે. તા. ૭ મી ના રોજ રાત્રિના સમયે કેશિયર તરીકે ફરજ બજાવતા મુનાવર ખાન ખોખર ઓફિસમાં રોકડ રાખવાના ટેબલના ખાનામાં રૂ. ૧,૯૪,૦૦૦ મૂકી લોક મારી ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા. 

દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ઓફિસની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કરી કેસ ખાનામાં મુકેલ રૂ. ૧.૯૪ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ સવારે કેસર મુનાવર ખાને ચિરાગ પટેલને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં ઓફિસનો સામાન વેર વિખેર પડયો હતો. આ બનાવો અંગે ચિરાગ પટેલે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ચિરાગ પટેલની ફરિયાદના આધારે શહેર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:59 pm IST)