ગુજરાત
News of Friday, 10th June 2022

એકતાના અને લોહીના રંગ એક રથયાત્રા પૂર્વે જગન્‍નાથ મંદિરમાં હિન્‍દુ, મુસ્‍લિમ સમાજ દ્વારા દેશમાં અનોખી મિશાલ સ્‍થાપિત

અલકાયદાની ચિમકીની ચર્ચા વચ્‍ચે ધર્મના ભેદભાવ વગર અમદાવાદ સીપી સંજય શ્રી વાસ્‍તવના માર્ગદર્શનમાં એડી સીપી રાજેન્‍દ્ર અસારી ટીમ દ્વારા અદભૂત કાર્યક્રમ : મહંત પૂ.દિલીપદાસજી મહારાજ, જનાબ મોહંમદ હુસેન વિગેરે દ્વારા ગુજરાતના તહેવારો કોઇ એક ધર્મ પૂરતા મર્યાદિત નહિ લોક ઉત્‍સવ હોવાનું ગૌરવ પૂર્ણ જણાવાયું: નાયબ પોલીસ કમિશનર સુશિલ અગ્રવાલ દ્વારા રકતદાન શિબિરમાં સહુ પ્રથમ રકતદાન કર્યું: એકતા દર્શાવવા રક્‍તનો પ્રવાહ અવિરત વહ્યો

રાજકોટ, તા.૧૦:  તાજેતરમાં બનેલ ચોકકસ ઘટનાઓ અને તે સંદર્ભેની ઘટનાઓ ધ્‍યાને રાખી ગુજરાતના અમદાવાદમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રામાં ભૂતકાળની ભૂતાવળનો ઓછાયો ગેરસમજને કારણે ન પડે તે માટે વર્ષોથી નાતજાતના ભેદભાવ વગર રથયાત્રાનું જે રીતે આયોજન થાય છે તેજ રીતે થાય તેવો ઉમદા વિચાર અમદાવાદ પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ અને તેમના જેવા જ હકારાત્‍મક વિચાર ધરાવતા અમદાવાદના એડી.પોલીસ કમિશનરને યોગાનુયોગ એક સાથે આવ્‍યો અને વિચારોની આપ લે દરમિયાન જયાંથી રથયાત્રા નિકળવાની છે તેવા જગન્‍નાથ મંદિરમાં જ સર્વધર્મ સમભાવ અંતર્ગત એકતાનો રંગ એક અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમ સાથે લોહીનો રંગ પણ એકતા માફક એક જ હોય છે તેવા ઉમદા વિચાર સાથે રકતદાન શિબિર રાખવામાં આવી, જે વિચારને જગન્‍નાથજી મંદિરના હંમેશ માટે ખૂબ હકારાત્‍મક વિચાર ધરવતા મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્‍ટી મહેન્‍દ્રભાઈ ઝા વિગેરે દ્વારા વધાવી લેવામાં આવ્‍યો અને આમ આવા શુભ કાર્યના મંગલા ચરણ મંડાયા.  

આવા મહત્‍વના કાર્યની જવાબદારી અમદાવાદ ઝોન-૩ના નાયબ પોલિસ કમિશનર સુશીલ અગ્રવાલ ટીમને સુપ્રત કરવામાં આવી, અને આમ શુભ હેતુથી ખૂબ એકતા અને આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ ખૂબ સફળ બન્‍યો, રાજ્‍યના ગૃહમંત્રી, મુખ્‍ય પોલીસ વડા સહિતના ગાંધીનગરના ટોચના અધિકારીઓ અને પદાધિકારીઓ આવી ઉમદા ભાવનાથી પ્રભાવિત થયા હતા .  

 મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા વર્ષોથી જે રીતે એકતાની અને ભાઈચારા, દેશ ભકિતના જે રંગો છવાઈ છે તે યથાવત રાખી સમગ્ર દેશમાં એકતાની અનોખી મિશાલ સ્‍થાપિત કરવામાં આવશે.જેમાં ટ્રસ્‍ટી શ્રી મહેન્‍દ્રભાઈ ઝા દ્વારા પોતાના સૂર પુરવાયેલ.      

જનાબ મોહંમદ હુશેન સહિતના વિવિધ ધર્મના અગ્રણીઓ દ્વારા જણાવાયેલ કે, રથયાત્રા સહિત હિન્‍દુસ્‍તાનના કોઈપણ તહેવારો એ લોકઉત્‍સવ હોય છે, જે તમામ ધર્મના હોય છે અને તેવી ઉમદા ભાવનાથી જ ઉજવાતા હોય છે.    

 સમગ્ર આયોજનના સ્‍વપ્‍નદ્રષ્‍ટા જેવા અનુભવી આઇપીએસ અને એડી.પોલીસ કમિશનર રાજેન્‍દ્ર અસારી દ્વારા એકતાના રંગ અનેક નહિ એકજ હોય છે તે રીતે લોહીના રંગ એક હોય છે જે ગુજરાતના લોકોએ ધર્મના ભેદભાવ વગર તહેવારોની ઉજવણી કરી સમગ દેશને જે સંદેશો આપ્‍યો છે તેની રાષ્‍ટ્રિયસ્‍તરે નોંધ લેવા સાથે તેના દાખલા આપવામાં આવે છે. એચડીએફસી બેંક અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી એકતાના એક રંગ સાથે લોહીના રંગ એક એવા એકતાની પ્રતીકમા આ કાર્યક્રમમા ઝોન-૩ ડીસીપી સહિત પોલીસ અધિકારીઓ,સ્‍ટાફ અને લોકો દ્વારા મોટાપાયે રકતદાન કરી એકતાની મિશાલ સ્‍થાપવામાં આવી હતી.

(11:07 am IST)